ખેલૈયાઓ આનંદોઃ નવરાત્રિમાં 12-વાગ્યા સુધી સ્પીકરની મંજૂરી

અમદાવાદઃ છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે નવરાત્રિ ફિક્કી રહી હતી, પણ આ વખતે રાજ્યમાં નવરાત્રિ ખૂબ ધમાકેદાર રીતે ઊજવવા માટે ખેલૈયાઓ તૈયાર છે. હવે નવરાત્રિ તહેવાર આડે માંડ ગણતરીના દિવસો જ બાકી છે. જેથી સરકારે આ વખતે નવરાત્રિના દિવસોમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટેની મંજૂરી આપી છે. ગરબા આયોજકો નવ દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. ગૃહ મંત્રીએ ટ્વીટ કરીને ખેલૈયાઓને આ મામલે માહિતી આપી છે.

નવરાત્રિ  26મી સપ્ટેમ્બરથી શરૂઆત થઈ રહી છે. ત્યારે રાજ્યમાં ગરબા આયોજકો ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે. જેથી ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ ધર્મમાં ‘નવરાત્રિ’નું ખૂબ જ મહત્ત્વ છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી શક્તિના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત નવ દિવસ સુધી સવાર-સાંજ માતાજીની પૂજા-અર્ચના અને વિવિધ નૈવૈદ્ય પણ ધરાવવામાં આવે છે.

રાજ્યમાં નવરાત્રિ એ માત્ર રાસ-ગરબાનો ઉત્સવ જ નથી પરંતુ તમામ નાની અને મોટી કંપનીઓ માટે તેમની પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરવાની ઉત્તમ તક પણ છે. આ વર્ષે માત્ર અમદાવાદમાં જ નવરાત્રિ દરમિયાન કરોડો રૂપિયાનો જાહેરાતનો બિઝનેસ ખૂલવાનો છે. ગરબાના વિજેતાઓને કંપનીના ગિફ્ટ વાઉચર્સ આપવા, કંપનીના ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપવું, ગરબા સ્થળ પર હોર્ડિંગ્સ લગાવવા, મોટા શહેરોમાં પણ હોર્ડિંગ્સ – આ બધી તૈયારીઓ કરવામાં આવી છે. એફએમસીજી, કાર કંપની, ટેલિકોમ કંપની, મોબાઇલ વેંચતી કંપનીઓ અને સ્થાનિક કંપનીઓ પણ આવી વ્યૂહરચના અજમાવી રહી છે, જેથી તેઓ નવરાત્રિમાં જ તેમની બ્રાન્ડને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકે.
અમદાવાદમાં જાહેરાત પર ઓછામાં ઓછા રૂા. 500 કરોડનો ખર્ચ થશે. આખા ગુજરાતમાં માર્કાટિંગ બજેટ આનાથી ત્રણ ગણું હોવાનો અંદાજ છે. કોર્પોરેટ અને મોટા પંડાલમાં ગરબા થવાના હોઈ તેની સંખ્યા અમદાવાદમાં જ 1000થી વધુ જગ્યાએ હશે.

જોકે હવામાન વિભાગે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે વિભાગે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.