‘વિલક્ષણ માનવીનો આશ્રમ’: સાબરમતી-આશ્રમ માટે જોન્સનનો વિશેષ-સંદેશ

અમદાવાદઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન ભારતના બે દિવસના સત્તાવાર પ્રવાસ માટે આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સવારે એમણે સાબરમતી આશ્રમ અથવા ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આશ્રમની વિઝિટર્સ બુકમાં એમણે પોતાના હસ્તાક્ષરમાં ઉષ્માપૂર્ણ સંદેશ લખ્યો હતો. એમણે મહાત્મા ગાંધીના મૂલ્યોની સરાહના કરી હતી. એમણે લખ્યું છે કેઃ ‘આ વિલક્ષણ માનવીના આશ્રમની મુલાકાતે આવવા અને એ સમજવાને હું મારું મોટું સૌભાગ્ય સમજું છું કે એમણે સત્ય અને અહિંસાના સરળ સિદ્ધાંતો દ્વારા દુનિયાને કેવી રીતે બેહતર બનાવી શકાય છે એનું સમગ્ર વિશ્વને ઉદાહરણ પૂરું પાડ્યું છે.’

જોન્સનની જ નહીં, પરંતુ બ્રિટનના કોઈ પણ વડા પ્રધાનની ગુજરાતમાં આ પહેલી જ મુલાકાત છે. જોન્સને સાબરમતી આશ્રમમાં ગાંધીજીને પ્રિય એવા ચરખા પર રેંટિયો કાંતવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોઈ પણ મહાનુભાવ દ્વારા અહીં ચરખા પર બેસીને રેંટિયો કાંતવો તે રાષ્ટ્રપિતા ગાંધીજી પ્રતિ આદર દર્શાવવાની એક શુભચેષ્ટા ગણાય છે. ગાંધીજીએ ખાદીના કાપડ અને ચરખાના ઉપયોગની હિમાયત કરી હતી.

સાબરમતી આશ્રમ ખાતે જોન્સનની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હતા.

(તસવીર સૌજન્યઃ @CMOGuj)