સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક માર, CNG ગેસમાં ભાવ વધારો

અમદાવાદ: રાજ્ય સહિત દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે સામન્ય નાગરિકો વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. CNG ગેસમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ 77.76 રુપિયા ચૂકવવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે.

આપને જણાવી દઈએ કે ગુજરાત ગેસેને CNGના ભાવમાં કરેલો વધારો આજે 1 ડિસેમ્બરથી સમગ્ર જગ્યા પર લાગુ પડી જશે. ત્યારે નવા ભાવ મુજબ હવેથી ગુજરાતમાં 1 કિલો CNGના 77.76 રૂપિયા ચૂકવવા પડશે તો દાદરાનગર હવેલીમાં 78.66 રૂપિયા 1 કિલો CNGના ચૂકવવા પડશે. આ સિવાય પાલઘર અને થાણેમાં 78.50 રૂપિયા CNGનો ભાવ વાહન ચાલકે આપવો પડશે. ત્યારે રાજસ્થાનમાં 1 કિલોનો CNGનો ભાવ 82.31 રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં CNGનો ભાવ 86.55 રૂપિયા વધીને થયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1 કિલો CNGનો ભાવ સૌથી વધુ રૂપિયા 93.01 વધીને થયો છે.

અગાઉ ગુજરાત ગેસ કંપનીએ 4 જુલાઈએ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1 રૂપિયાનો વધારો કર્યો હતો. જેને પગલે CNGથી ચાલતા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે ફરી 5 મહિના બાદ 1.50 રૂપિયા પ્રતિ કિલોએ CNGમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત દેશભરમાં સીએનજીથી ચાલતા વાહનોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે અને ઓટો રિક્ષા પણ મોટા પ્રમાણમાં સીએનજીથી ચાલે છે. ત્યારે સીએનજીથી ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહનોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે અને સામે સીએનજીના ભાવમાં પણ ધીરેધીરે મોટો વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે અને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે.