અમદાવાદ: અનંત નેશનલ યુનિવર્સિટીએ તેમના કોમ્યુનિટી લીડરશીપ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનના વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. તેમણે વિદ્યાર્થીઓ માટે વર્ગખંડના શિક્ષણ કરતા પ્રેક્ટિકલ શિક્ષણ પર વધારે ભાર આપ્યો છે. જેના ભાગરૂપે ‘વોટરમેન ઓફ ઈન્ડિયા’ તરીકે જાણીતા અને મેગ્સેસે એવોર્ડ વિજેતા ડો. રાજેન્દ્ર સિંહનું અનંત નેશનલ યુનિવર્સિટી સાથે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે જોડણ કર્યું છે.આજના યુવાનોને ભણતર દરમિયાન ગ્રાઉન્ડ પર જઈને તેમના વિષયનો પ્રેક્ટિકલ અભ્યાસ કરવા માટે ઓછો મળતો હોય છે. તેમાં એન્વાર્યમેન્ટલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે તેમના જ રોલ મોડેલ તેમને યોગ્ય દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે તેવી સુવિધા અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા ઉભી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને વાસ્તવિકતાઓથી વાકેફ કરવા ઉપરાંત સામાજિક માળખાંની સમજ આપી સમુદાયોના જે પ્રશ્નો હોય તેને સમજવામાં મદદ કરી શકે. ડો. રાજેન્દ્ર સિંહ અનંત યુનિવર્સિટીમાં આ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે, જે વિદ્યાર્થીઓને મહત્ત્વના મુદ્દાઓ અંગે વાસ્તવિક્તા આધારિત ઉકેલો તૈયાર કરવામાં મદદ કરશે.વોટરમેન ઓફ ઈન્ડિયા તરીકે જાણીતા ડો. રાજેન્દ્ર સિંહે પાયાના સ્તર પર શરૂ કરેલી પહેલ દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની, સાથે-સાથે જ સાતત્યપૂર્ણ ઉકેલો દ્વારા અનેક સમુદાયોને એક કરીને સશક્ત બનાવ્યા છે. પાણીને લઈને તેમણે જે કામ કર્યું છે તે ખરેખર વિશ્વ સ્તર પર અભ્યાસનો વિષય બન્યો છે. રાજસ્થાનના ઉજ્જડ રણ વિસ્તારમાં તેમણે કેવી રીતે હરિયાળી લાવી છે? કેવી રીતે 15 જેટલી નદીઓને ફરી જીવંત બનાવી છે? તેનો અભ્યાસ કરવા માટે તો દેશ-વિદેશમાંથી લોકો રાજસ્થાનના ગોપાલપુરા સ્થિત તેમના આશ્રમમાં આવે છે. ત્યારે ડો. રાજેન્દ્ર સિંહાના આ બહોળા અનુભવનો લાભ અનંત નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવા જઈ રહ્યો છે. અનંત નેશનલ યુનિવર્સિટી સાથે જોડાવવા પાછળનું તેમનું લક્ષ્ય આગામી પેઢીને પર્યાવરણ સાથે જોડીને તેના પડકારો સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય? કેવી રીતે ઉપાયો મેળવી શકાય? તે શીખવવાનો છે. અનંત નેશનલ યુનિવર્સિટી સાથે જોડાઈને ડો. રાજેન્દ્ર સિંહ તેમના વિસ્તૃત જ્ઞાન અને અનુભવની આગામી પેઢીને આપ-લે કરવાની એક અનોખી તક ઝડપી રહ્યા છે.અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.અનુનય ચૌબેએ અનંત સેન્ટર ફોર ઈન્ડિજિનસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસ શરૂ કરવાની આજે જાહેરાત કરી. જેની અધ્યક્ષતા ડો. રાજેન્દ્ર સિંહ કરવાના છે. આ કેન્દ્રમાં ભવન નિર્માણ અને કૃષિ પદ્ધતિઓથી માંડીને જળ સંરક્ષણ સુધીની ભારતની વિવિધ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓનું મેપિંગ કરવા માટે વૈજ્ઞાનિક અને સંગઠિત અભિગમ અપનાવવામાં આવશે. જેમાં વર્તમાન પદ્ધતિઓ અને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પદ્ધતિઓ બંનેનો સમાવેશ થાય છે.
ડો. ચૌબેએ આ પ્રસંગે જણાવ્યું કે “સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને પુનર્જીવિત કરવી એ સામાજિક પડકારોના ઉકેલ માટે નિર્ણાયક છે. અનંત સેન્ટર ફોર ઇન્ડિજિનસ નોલેજ સિસ્ટમ્સ એન્ડ પ્રેક્ટિસિસ દ્વારા અમે આમ જ કરવા માંગીએ છીએ. ડો. સિંહ સાચા અર્થમાં એક સમાધાનકારી અને દૂરદર્શી નેતા છે. તેમણે પરંપરાગત જ્ઞાનને નવીન પદ્ધતિઓ સાથે સાંકળીને સૈદ્ધાંતિક ખ્યાલોને કાર્યક્ષમ ઉકેલોમાં પરિવર્તિત કર્યા છે. તેમના કાર્યોએ સ્થાનિક પ્રયાસોને જન આંદોલનમાં પરિવર્તિત કર્યા છે. તેઓ ભવિષ્ય માટેના પ્રેરણાસ્ત્રોત છે. જે સ્વદેશી સમજણથી સમકાલીન પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તે દર્શાવે છે”.
સ્વદેશી જ્ઞાનની વૈશ્વિક પ્રાસંગિકતા પર પ્રકાશ પાડતા ડો. રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “સ્વદેશી જ્ઞાન વૈશ્વિક સુસંગતતા ધરાવે છે. ભારત તેની સમૃદ્ધ સ્થાનિક બુદ્ધિમતાને કારણે ‘વિશ્વ ગુરુ’ હતું. સાતત્યપૂર્ણ નિર્માણથી લઈને જળ સંરક્ષણ સુધી, આ વ્યવસ્થાઓ એવા ઉકેલો પ્રદાન કરે છે જે વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે.”
જળ સંરક્ષણ અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાના ડો. રાજેન્દ્ર સિંહના પરિવર્તનશીલ કાર્યોથી અગણિત લોકોના જીવન પર સકારાત્મક અસરો થઈ છે. તેમના નવીન અને સાતત્યપૂર્ણ ઉકેલો પરિણામલક્ષી ડિઝાઇન વિકસાવવાના અનંતના મિશન સાથે સુસંગત છે.