રાજ્યમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ભાજપના લોકપ્રિય ઉમેદવાર, હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તારીખ 19 એપ્રિલ 2024, શુક્રવારના રોજ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી ફોર્મ ભર્યા પહેલા પ્રચંડ શક્તિ પ્રદર્શન કરશે. અમિત શાહ તારીખ ૧૮ એપ્રિલ, ગુરુવારના રોજ તમેના મતક્ષેત્રમાં સમાવિષ્ટ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં ભવ્યાતિભવ્ય મેગા રોડ શો યોજશે. રોડ શો બાદ અમિત શાહ વેજલપુર ખાતે જાહેરસભામાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધિત કરશે.
તારીખ 18 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે સાણંદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરશે. જેમાં સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડથી રોડ શો શરૂ થઈ સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ થઈ સાણંદ નળ સરોવર ચોકડી પર ભવ્ય રોડ શોનું સમાપન થશે.
જે બાદ ગૃહ મંત્રી અમિત શાહનો બીજો રોડ શો કલોક શહેર ખાતે સવારે 9:30 કલાકે રોડ શોનો પ્રારંભ થશે. કલોલ શહેરમાં જેપી ગેટથી રોડ શો શરૂ થઈ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા થઈ ભવાની નગર ચાલી ખુની બંગલા તળાવ રોડ થઈ ટાવર ચોક રોડ શોનું સમાપન થશે
ત્યાર બાદ અમિત શાહ બપોરે 3 વાગ્યે સાબરમતી વિસ્તારમાં રોડ શો કરશે. જે બાદ 04:30 કલાકે ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર એટલે કે ઘાટલોડિયામાં રોડ શોનું આયોજન કરશે. ત્યાર બાદ 05:30 કલાકે નારણપુરા વિસ્તારમાં ગૃહ મંત્રીનો ભવ્ય થી અતિ ભવ્ય રોડ શો યોજાશે. જે બાદ વેજલપુરના જીવરાજ પાર્કમાં અમિત શાહના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ વેજલ પુરમાં કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે ખાતે શ્રી અમિતભાઈ શાહનો મેગા રોડ શો જંગી જાહેરસભામાં પરિવર્તિત થશે જેને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સંબોધિત કરશે.