જગન્નાથ ભગવાનની રથયાત્રા માટે AMCએ શરૂ કરી તૈયારીઓ

અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પરિણામ ચોથી જૂનના જાહેર થઈ ચૂક્યા છે. અને ટૂંક જ સમયમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે શરત ગૃહણ કરવાના છે. ત્યારે, છેલ્લા દોઢ મહિનાથી ચૂંટણીની કામગીરીમાં લાગેલો પોલીસ વિભાગ અને AMC તંત્ર હવે આગામી આવી રહેલી અમદાવાદની પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે.

AMCના ચૂંટણી ફરજ બજાવતા લોકો હવે ભગવાન જગન્નાથની યાત્રાની તૈયારીઓ લાગી ગયા છે. અને રથયાત્રા રૂટ પર આવેલી જર્જરિત ઇમારતનો સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં જર્જરિત ઇમારતોનો સર્વે પૂર્ણ કરવામાં આવશે અને સર્વે બાદ વોર્ડ ઇન્સ્પેકટરને જવાબદારીઓ સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન જર્જરિત ઈમારત પડી ભાંગવાથી જાનહાનિ થઈ હતી. જેથી આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટનાના સર્જાય તેના માટે AMC અને પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરી રહ્યું છે. અને રથયાત્રા રૂટ પર આવેલ જર્જરિત ઇમારતો અને મકાનોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટ પર 1 વોર્ડ ઇન્સ્પેકટરને 4 થી 5 મકાનોની જવાબદારી સોંપવામાં આવશે. રથયાત્રા દરમિયાન જો કોઈ જર્જરિત ઇમારત કે મકાન સાથે દુર્ઘટના સર્જાય તો તેમ જાનહાનિ ન થાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે AMC દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્જરિત મકાન પર ખાનગી સિક્યુરિટી ગોઠવવા માટે વિચારણા કરવામાં આવી હતી. પરંતુ, હવે વોર્ડ ઇન્સ્પેકટરને આ જવાબદારી સોંપવામાં આવશે.