નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ‘સ્માર્ટ સિટીઝ મિશન’ અંતર્ગત અમદાવાદ, સુરત સહિત દેશના 22 શહેરો આ વર્ષના માર્ચ સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. કેન્દ્રના હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે નવા સ્માર્ટ સિટીઝ શરૂ થવાથી તે વિસ્તારોમાં રહેવાસીઓ માટે નાગરિક-અનુકૂળ અને સ્થાયી પર્યાવરણ માટેનો માર્ગ મોકળો થશે. સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ કુલ 100 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે. બાકીના 78 શહેરોમાં કામકાજ પણ આવતા 3-4 મહિનામાં પૂરું થઈ જશે.
પ્રથમ 22 શહેરો છેઃ અમદાવાદ, સુરત, આગરા, વારાણસી, પુણે, ભોપાલ, ઈન્દોર, ભૂવનેશ્વર, ચેન્નાઈ, કોઈમ્બતુર, ઈરોડ, રાંચી, સલેમ, ઉદયપુર, વિશાખાપટનમ, કાકીનાડા, વેલ્લોર, પિંપરી-ચિંચવડ, મદુરાઈ, અમરાવતી, તિરુચિરાપલ્લી અને થાંજાવુર. સ્માર્ટ સિટીઝ મિશનનો આરંભ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં કરાવ્યો હતો. એ માટે કુલ રૂ. 7.2 લાખ કરોડનું બજેટ નક્કી કરાયું છે.
સ્માર્ટ સિટી એટલે શું?
સ્માર્ટ સિટી અસલમાં એક એવું શહેર છે જે ટેક્નોલોજીનો મોટા પાયે ઉપયોગ કરીને પોતાના નાગરિકોને ઉત્તમ સેવાઓ પ્રદાનકરશે. સરકાર નાગરિકોને ઘણી જ સારી ગુણવત્તાવાળી પરિવહન તથા સામાજિક સેવાઓ ઉપલબ્ધ કરાવશે. એમાં વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા સેવાઓનો સમાવેશ કરાયો હશે. સ્માર્ટ સિટીના વિકાસના ચાર મુખ્ય આધારસ્તંભ છેઃ ભૌતિક, સંસ્થાકીય, આર્થિક અને સામાજિક. સ્માર્ટ સિટીઝ મિશનમાં નાગરિકોની પણ ભાગીદારીનું મહત્ત્વ રહેશે. તેમણે પોતાના શહેરને સારું રાખવા માટે સરકારના પ્રયાસોને મદદ કરવાની રહેશે.
આ મિશનમાં તમામ નાગરિકો માટે આવાસની પણ મુખ્ય વિશેષતા છે. અહીં ઝૂંપડા કે કામચલાઉ ઘરોને કોઈ સ્થાન નહીં હોય. વાહનો માટે પર્યાપ્ત પાર્કિંગ જગ્યા હશે અને લોકોને ચાલવા માટે ફૂટપાથ હશે. વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વધુને વધુ ઝાડ ઉગાડવામાં આવશે. ધૂળ ઉડતી રોકવા માટે રસ્તાઓનું નવીનીકરણ કરાશે. સાથોસાથ, સુરક્ષા વ્યવસ્થા પણ વધારે કડક બનાવવામાં આવશે. અહીં માત્ર ગગનચૂંબી ઈમારતોને જ સ્થાન મળશે એવું નહીં હોય. તમામ વયનાં લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધજનો માટે ખુલ્લી જગ્યા પણ અનામત રખાશે, જેમ કે રમતગમતના મેદાન અને બગીચા.