અમદાવાદના ગોતામાં ઝડપાયો રેલવે એજન્ટ, તત્કાલ ટિકીટો બૂક કરી કાળાબજારીનો મામલો

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ– મધ્યપ્રદેશમાં થોડા દિવસ પહેલાં રેલવે ટિકીટમાં કાળાંબજારનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું તેને પગલે આ પ્રકારના કૌભાંડો ઝડપી લેવા અનેક એજન્ટો પર તવાઇ બોલાવવામાં આવી છે. જેમાં અમદાવાદ આરપીએફ ક્રાઇમ બ્રાન્ચે પણ એક કૌંભાડ ઝડપી લીધું છે. ગોતામાં દરોડો પાડીને અભય જૈન નામના એજન્ટને કાળાબજારી કરતો ઝડપી લેવાયો છે.

અભય જૈન પાસેથી 12 હજારની ઇ-ટિકીટો, લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. અભય જૈન ગોતાના કૃષ્ણ કોમ્પલેક્સમાં પાર્થ સોલ્યૂશન નામની ઓફિસમાં આ કામ કરો હતો. અભય એક ખાસ સોફ્ટવેર દ્વારા  જુદાજુદા પર્સનલ યુઝર આઈડીથી ઇટિકીટ જનરેટ કરતો હતો.આરોપીએ અત્યાર સુધીમાં 12 લાખ રુપિયાની ઇટિકીટ જનરેટ કરી છે. આ એજન્ટ એક વ્યક્તિના 200 રુપિયા લેખે અળગ ચાર્જ કરતો હતો.

આ કૌભાંડ બહાર આવવા સાથે અમદાવાદ આરપીએફ દ્વારા રેલવે ઇટીકિટ બૂકિંગ એજન્ટોની તપાસને લઇને એજન્ટોમાં સોપો પડી ગયો હતો.