અમદાવાદમાં રાતોરાત 6 માળની બિલ્ડિંગ બની ગઇ? તંત્રની નિંભરતાનો અજબ કિસ્સો

અમદાવાદ– અમદાવાદમાં ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન મ્યૂનિસિપલ કોર્પોરેશનની ગજબની બેદરકારી સામે આવી હતી. જેને પગલે સરકારી તંત્રની બેજવાબદારી પર નગરજનોની નારાજગી જોવા મળી હતી.વાત એમ છે કે  શહેરના એકદમ પોશ ગણાતા અને વેપારધંધા, રોજગારથી ધમધમતાં એસજી હાઇવેના પકવાન ચાર રસ્તા પર એક છ માળની ગેરકાયદે ઇમારત બની ગઇ હોવાનું તંત્રને અચાનક જ્ઞાન લાધ્યું હતું.. જેને ધરાશાયી કરવાનું કામ વહેલી સવારથી જ કોર્પોરેશને હાથ ધર્યું હતું.સ્માર્ટ સિટી બનવા જઇ રહેલા અમદાવાદ શહેરને પહોળા રસ્તા,  ફ્લાય ઓવર, અન્ડર બ્રિજ, મેટ્રો જેવી અનેક સગવડો આપવાનું શરુ કરી દેવાયું છે. પરંતુ કેટલાંક કિસ્સામાં કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તા ધરાવતી પાંખના અધિકારીઓ સફાળાં જાગતા હોય એવું સ્પષ્ટ દેખાય છે. શહેરના જુદાજુદા વિસ્તારોમાં ખુલ્લી  જગ્યા દેખાય કે તરત જ બાંધકામ તાણી બાંધવા કેટલાય લોકો તત્પર  હોય છે. માર્ગો અને ખુલ્લી જગ્યાઓમાં ધાર્મિક સ્થળોના ઓઠા હેઠળ પણ બાંધકામ કરી લોકો જલસા  કરતાં હોય છે. એસજી હાઇવે પરના માર્ગ પર મોકાની જગ્યામાં ગેરકાયદે બની ગયેલી છ માળની બિલ્ડિંગમાં પણ તંત્ર સફાળુ જાગ્યું હતું. નજરે જોનાર લોકો અને માર્ગ પરથી પસાર થતા લોકોના મુખે એક જ ચર્ચા થતી હતી કે આ બિલ્ડિંગના છ માળ જો ગેરકાયદે જ હતાં તો આટલું ચણતર કેવી રીતે થઇ ગયું.આવી અનેક ઇમારતો ચણાઇ જાય છે, માર્ગો પર ગેરકાયદે ખૂમચા, દુકાનો ચાલુ થઇ જાય છે ત્યાર બાદ આખું તંત્ર પોતાની શક્તિનો આમ હજારો માનવકલાકો અને રોકાયેલાં નાણાંનો વેડફાટ કરે છે.

સૂત્રોના હવાલે મળતી ખબર મુજબ આ બિલ્ડિંગ તોડી પાડવા માટે ખાસ ગાંધીનગરથી આદેશો છૂટ્યાં બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. લોકમુખે સંભળાયેલી વાત મુજબ આ બિલ્ડિંગની માલિકી અનઓફિશિયલિ સંજય પટેલના નામની છે કે જેઓ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પુત્ર છે. જોકે કાગળ પર અન્ય વ્યક્તિના નામે છે, જેને ગ્રાઉન્ડ ફ્લોર બાંધકામની જ પરમીશન હોવા છતાં રાજકીય ઓથના કારણે ગર્ડર પર બીજાં પાંચ માળનું બાંધકામ કરી નાંખ્યું હતું.

અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ