આર્ચરકેર કૌભાંડમાં તપાસનો પણ વિવાદ, સરકારે તપાસ CID ક્રાઈમને સોંપી

ગાંધીનગર-પોન્ઝી સ્કીમમાં 260 કરોડનું સ્કેમ કરી નાંખનાર વિનય શાહ કૌભાંડમાં તપાસના મુદ્દે પણ ભારે વિવાદ સર્જાઈ ગયો. બપોરે અમદાવાદ પોલિસ કમિશનર એ કે સિંઘે સીટની રચના કરી ત્યાં સાંજ પડતાં સરકાર તરફથી નિવેદન આવ્યું છે કે આ મામલાની તપાસ સીઆઈજી ક્રાઈમ કરશે અને તેમાં સીટની રચના કરવામાં આવી છે.ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે લોભામણી જાહેરાતો આપી આમ નાગરિકોના નાણાં પચાવી પાડીને આર્થિક કૈાભાંડ કરનાર તત્વોને કડકમાં કડક સજા આપવા રાજય સરકાર કટિબદ્ધ છે. અમદાવાદની આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપની દ્વારા કરાયેલા કરોડો રૂપિયાના આર્થિક કૈાભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. લોકોને છેતરનાર તત્વોને પણ નશ્યત કરવા રાજય સરકાર કોઇ કચાશ રાખશે નહી.આર્ચરકેર અને ડીજી એન્ડ એલ.એલ.પી. કંપનીના ડાયરેકટરો દ્વારા નાગરિકોના કરોડો રૂપિયાની નાણાંકીય ઉચ્ચાપત અંગે તા.૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ તમામ ગુનાઓની તપાસ ડી.જી.પી દ્વારા સી.આઇ.ડી. ક્રાઇમને સોપવાનો નિર્ણય કરાયો છે. ગુનામાં થયેલ છેતરપીડીની વિગતો ધ્યાને લેતા આ એક પૂર્વ આયોજીત આર્થિક કૈાભાંડ હોઇ તેવું સ્પષ્ટ પણે જણાઇ આવે છે અને ભવિષ્યમાં પણ આ અંગે વધુ ફરીયાદો દાખલ થાય એવી સંભાવનાઓ છે. જેને ધ્યાને લઇને આ ગુનાઓની તપાસ કોઇ એક જ એજન્સી દ્વારા થાય તે ઇચ્છનિય હોઇ આ તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા કરવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે.  કંપનીઓ દ્વારા કરાયેલ તમામ નાણાંકીય ઉચ્ચાપતના ગુનાઓની તપાસ માટે સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ ( SIT) ની રચના કરવામાં આવી છે. SIT ના માર્ગદર્શન હેઠળ આ ગુનાઓમાં ધ ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ ઇન ફાયનાન્સીયલ એસ્ટાબ્લીસમેન્ટ એકટની જોગવાઇઓ લાગુ પડે છે કેમ તે ચકાસવામાં આવશે. આ કાયદો લાગુ પડતો હશે તો SIT દ્વારા ગુનામાં જરૂરી કલમો ઉમેરીને તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ધ પ્રાઇઝ ચીટસ એન્ડ મની સર્કયુલેશન સ્કીમ એકટની કલમો લાગે છે કેમ તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. સાથે સાથે આ અંગે સ્પેશીયલ કોર્ટમાં આવા ગુનાઓ માટે નિમવામાં આવેલ ખાસ સરકારી વકિલ દ્વારા પણ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જી.પી.આઇ.ડી. એકટમાં થયેલ નવી જોગવાઇઓ મુજબ આરોપીઓની મિલકત ટાંચમાં લેવા અંગેની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું