એરપોર્ટ પર 10-10 રુપિયામાં શટલની મજાક? વિડીયો બનાવનાર કર્મચારી હાંકી કઢાયો

અમદાવાદઃ એરપોર્ટનો ખૂણેખૂણો હાઈ સિક્યૂરીટી ઝોનમાં ગણવામાં આવતો હોય છે ત્યાં કોઇ કર્મચારી જ બિન્ધાસ્ત પણે સુરક્ષા નિયમોના લીરેલીરાં ઉડાવે તો તે અતિગંભીર મામલો બની જાય છે. આવો કિસ્સો અમદાવાદ એરપોર્ટ પર બનતાં કર્મચારી લોડરને હાંકી કાઢવામાં આવ્યો છે.

વિડીયો તસવીર

તાજેતરમાં અમદાવાદ એરપોર્ટનો એક વીડિયો સામે આવ્યો તો જે વાઈરલ થતાં  સુરક્ષા સાથે ગંભીર ચેડા થયેલા નજરે પડે છે. જોકે, આ કેસમાં કસૂરવાર વ્યક્તિને એરપોર્ટ સ્ટાફે સસ્પેન્ડ કરી દીધો છે.

તે વિડીયો અમદાવાદ એરપોર્ટના એક લોડર અને તેની સાથે અન્ય કોઇ વ્યક્તિએ બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.  સામાન્ય રીતે એરપોર્ટની અંદર કે રનવે પર વીડિયો શૂટિંગની મનાઈ હોય છે. વાયરલ થયેલા વીડિયોમાં લોડર તરીકે કામ કરતો એક યુવક ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય એક યુવક તેના મોબાઇલથી શૂટિંગ કરી રહ્યો છે. તે મજાક માટે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. કારણ કે તેમાં બંને વચ્ચે મજાકીયા અંદાજમાં વટવા નારોલ જૂહાપુરા દસ દસ રુપિયામાં વિમાની શટલ ઉપડવાની વાતચીત સંભળાય છે. જોકે, એરપોર્ટ ઓથોરિટીના ધ્યાનમાં આ બનાવ આવતા લોડરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં લોડર રીક્ષા ચાલકો જે રીતે પેસેન્જર્સને બોલાવતા હોય છે તે રીતે બૂમો પાડતો જોવા  મળી રહ્યો છે.