રાજકોટ સહિત ગુજરાત માટે 25મી મેના ગોઝારો દિવસ સાબિત થયો છે. રાજકોટના અગ્નિકાંડમાં 27 લોકોના જીવનની જ્યોત બળીને ભસ્મી ભૂત થઈ ચૂકી છે. રાજકોટના આગ્નિકાંડ બાદ પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો છે. તો ક્યાંકને ક્યાંક જનતામાં જાગૃતિ આવતી શરૂ થઈ છે. તો બીજી બાજુ સરકરાની આંખ પણ ખુલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ કલેક્ટરોને મનોરંજન સહિતના બાંધકામ તથા એકમો પાસે પુરતા સલામતી સાધનો સાથે જરૂરી ડોક્યુમેન્ટ છે કે કેમ તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા. જે બાદ તમામ નાનાથી મોટા શહેરોમાં ફાયર વિભાગ સહિત એસ્ટેટ વિભાગે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. આ અગ્નિકાંડ બાદ કેટલાક મોટા ખુલાસા થતા જોવા મળ્યા છે.
રાજકોટના મેળા પર લાગ્યો પ્રતિબંધ
આ દુર્ઘટના બાદ તરત સાવચેતીના ભાગરૂપે મનપા તંત્ર દ્વારા નાનામૌવા રોડ, બાલભવન સહિતનાં સ્થળોએ ચાલતા ખાનગી વેકેશન મેળા ફાયર NOC સહિત તમામ સુવિધાઓ હોવા છતાં બંધ કરાયા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો બાળકોની સાથે મેળાનો આનંદ માણવા જતા હતા. અગ્નિકાંડ બાદ આ મેળા બંધ કરાયા હતા જે આજદિન સુધી બંધ છે. તો હવે આ મેળાઓ ક્યારે ખુલે તે પણ નક્કી નથી. જેના કારણે હવે સંચાલકો દ્વારા તમામ વસ્તુઓ હટાવવા તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
AMC હાથ ધરી કવાયત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. આજે શુક્રવારે બીયુ પરમિશન અને ફાયર NOCને લઈને 226 મિલકતોને તપાસી કુલ 15થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી છે. છેલ્લા 4 દિવસમાં કુલ 703 જગ્યાઓને તપાસી કરી 93થી વધુ મિલકતો સીલ કરી છે. જેમાં અર્બન ચોક સીલ મારવામાં આવ્યું છે. ગેરકાયદેસર રીતે આખું અર્બન ચોક ઉભુ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પરવાનગી લીધા વિના આખું અર્બન ચોક છેલ્લા અનેક સમયથી ચાલતું હતું. આ ઉપરાંત ક્રશ કેફે પણ ગેરકાયદેસર રીતે ઊભું કરી દેવામાં આવ્યું હતું. તાજ હોટલ નજીક આવેલા બે TEA POST પોસ્ટ પણ બીયુ પરમિશન અને ફાયર વિના ચલાવવામાં આવતા હતા.
MS યુનિવર્સિટી તંત્ર ઉંઘ ઉડી
વડોદરામાં ફાયર બ્રિગેડે ફાયર સેફટી માટે શરુ કરેલી ઝુંબેશના કારણે એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ફાયર વિભાગ દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ અને ઈન્સ્ટિટયુટસના 32 બિલ્ડિંગોમાં ફાયર સેફટીના ધારાધોરણોનુ પાલન નહીં કરાયુ હોવાની નોટિસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને મોકલી હતી. તેનો યુનિવર્સિટી તરફથી કોઈ જવાબ મળ્યો નહીં હોવાથી એપ્રિલ મહિનામાં બીજા નોટિસ ફટકારી હતી. પણ યુનિવર્સિટીમાં તરફથી ફાયર એનઓસી લેવા માટે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાથી 30 મેના ટેકનોલોજી ફેકલ્ટીનુ વીજ જોડાણ કટ કરવામાં આવ્યું હતું. જ્યારે વીજ જોડાણ કાપ્યા બાદ યુનિવર્સિટી તંત્રની ઉંઘ ઉડી હતી, અને ફાયર એનઓસીટ માટે તંત્ર દોડતું થયું હતું.
સુરતમાં કાપડ માર્કેટ પર લાગ્યા તાળા
શહેરની ઓળખાણ કાપડ માર્કેટમાં દરરોજ લાખો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે જેનાથી કરોડો રૂપિયાનો વેપાર થાય છે. કાપડ માર્કેટમાં લગભગ દર અઠવાડિયે આગ લાગવાની એક કે બે ઘટનાઓ બનતી હોય છે અને ફાયરબ્રિગેડ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાંય હાલ પણ 73 જેટલી માર્કેટો અને લૂમ કારખાના ફાયર NOCની તારીખ વીતી ગઇ હોવા છતાં પણ રિન્યૂ કરાવી નથી. નગર પાલિકાએ તમામને નોટિસ ફટકારી છે અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત રાધે ટેક્સ્ટાઇલ માર્કેટની 411 દુકાનો સીલ કરી છે, જ્યારે ગેલેક્સી ઇસ્કોન 23 દુકાનો સીલ કરવામાં આવી છે.