નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ ડ્રોન ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા શેરબજારમાં આપવામાં આવેલી મહિતી મુજબ તેમની સબસિડિયરી કંપની અદાણી ડિફેન્સ સિસ્ટમ અને ટેક્નોલોજીએ બેંગલુરુની એક ડ્રોન બનાવતી કંપની જનરલ એરોનોટિક્સમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. જનરલ એરોનોટિક્સના CEO અભિષેક બર્મને કહ્યું હતું કે અમે સાથે મળીને અમારી ભાગીદારીને આગળ વધારીશું અને ભારતને એક ડ્રોન હબના રૂપમાં વિકસિત કરવામાં મદદ કરીશું.
જનરલ એરોનોટિક્સની સ્થાપના 2016માં બેંગલુરુમાં કરવામાં આવી હતી. કંપની AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ટેક્નિક આધારિત પાક સુરક્ષા સેવાઓ, પાક સ્વાસ્થ્ય દેખરેખ અને ઊપજ દેખરેખ સેવાઓ માટે રોબોટિક ડ્રોન વિકસિત કરે છે.
આ સોદો 31 જુલાઈ, 2022 સુધી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એવિયેશન સેક્ટરમાં પણ અદાણી ગ્રુપે હાલમાં ખૂબ જ મોટું રોકાણ કર્યું છે. કંપનીએ ઘણા એરપોર્ટના સંચાલન માટે કોન્ટ્રેક્ટ લીધા છે. હાલમાં કંપનીની પાસે દેશના મુખ્ય એરપોર્ટના સંચાલન માટેનો કોન્ટ્રેક્ટ છે. જેમાં જયપુર, અમદાવાદ અને મુંબઈ એરપોર્ટનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપ ઝડપથી બધાં સેક્ટરોમાં પગ પ્રસારી રહ્યું છે. હાલમાં અદાણી ગ્રુપ દ્વારા 10.5 અબજ ડોલરમાં સ્વિટર્ઝલેન્ડની હોલ્સિમ ગ્રુપથી દેશની મોટી સિમેન્ટ કંપનીઓ અંબુજા અને એસીસી સિમેન્ટને ખરીદી હતી. આ હસ્તાંતરણ પછી અદાણી ગ્રુપ દેશમાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ પછીની દેશની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બની ગઈ છે.