ગુજરાત સાયન્સ સિટીમાં વેલનેસ ગાર્ડન પર વર્કશોપ યોજાયો

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીમાં ચોથી નવેમ્બરે વેલનેસ ગાર્ડન પર ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈકો લાઈફ નેચર ક્લબ ઓફ સાયન્સ સિટી તથા ‘ટ્રી વોક’ સંસ્થાના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ અને પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા.

ટ્રી વોકના ફાઉન્ડર લોકેન્દ્ર બાલાસરિયાએ વિદ્યાર્થીઓને સરગવો, પોઈ, નગોડ, મીઠો લીમડો, તુલસી, ફુદીનો, લાલ જાસૂદ અને પત્થરચટ્ટોવ વગેરે જેવી વિવિધ વનસ્પતિઓના ઔષધીય ગુણો વિશે વિસ્તારથી માહિતી આપી હતી. વધુમાં તેમણે પ્રાકૃતિક આરોગ્યમાં ઝાડ-પાનના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. 

આ વર્કશોપ અંતર્ગત તમામ સહભાગીઓ અને સાયન્સ સિટીના સ્ટાફ મિત્રોએ સાયન્સ સિટીના લાઈફ સાયન્સ પાર્કમાં વેલનેસ પ્લાન્ટ્સનુ વાવેતર કર્યું હતું. ગુજરાત સાયન્સ સિટી અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.