બનાસકાંઠાઃ રાજ્યમાં એક બાજુ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સુઈગામની બોર્ડર પર નાગાલેન્ડથી આવેલા BSFના વધુ જવાનો કોરોના સંક્રમિત થયેલા માલૂમ પડ્યા છે. આરોગ્ય ટીમની ચકાસણીમાં ગઈ કાલે 20 જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે આજે વધુ 32 BSF જવાનોમાં કોરોના સંક્રમણ વધતાં અત્યાર સુધી BSFના 52 જવાન કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સંક્રમિત જવાનોને થરાદની સ્કૂલમાં ક્વોરોન્ટિન કરવામાં આવ્યા છે. જોકે બનાસકાંઠામાં છેલ્લા 10 દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.
નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામમાં આવી છે. સરકારી ગાઇડલાઇન અને BSFના પ્રોટોકોલ મુજબ અન્ય રાજ્યમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જોકે હજી બાકીના સૈનિકના રિપોર્ટ આવવાના બાકી છે. જેમાં કેસ વધવાની સંભાવના છે. સૈનિકોને કોરોનાના કોઈ લક્ષણ જણાતા ન હતા. પરંતુ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
અમદાવાદ અને સુરતમાં પાંચ-પાંચ કેસ, ભરૂચ અને વડોદરામાં ત્રણ-ત્રણ કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ શહેર, ખેડા,મોરબી, રાજકોટ, વડોદરા, વલસાડમાં એક-એકર કેસ નોંધવામાં આવ્યા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે.