ચંદ્ર પર માનવ પગલાંની 52મી વર્ષગાંઠઃ ગુજરાત સાયન્સ સિટી દ્વારા ખાસ ઉજવણી

અમદાવાદઃ 20 જૂલાઈ, 1969ના રોજ ‘એપોલો 11’ સ્પેસક્રાફ્ટ દ્વારા માનવીએ ચંદ્ર પર પ્રથમવાર જ ઉતરાણ કર્યું હતું. અવકાશયાને ચંદ્રની સપાટી પર ઉતરાણ કર્યાના 6 કલાક બાદ અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂક્યો હતો. તેમણે સ્પેસક્રાફ્ટની બહાર અઢી કલાક જેટલો સમય ગાળ્યો હતો. ત્યાર બાદ આર્મસ્ટ્રોંગ સાથે બઝ એલડ્રીન પણ જોડાયા હતા અને બંનેએ સાથે મળીને 47.5 પાઉન્ડ જેટલી ચંદ્રની સામગ્રી એકત્રિત કરી હતી.

એ ઐતિહાસિક ઘટનાની 52 વર્ષની ઉજવણી નિમિતે ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી દ્વારા ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ISRO-SACના ચન્દ્રયાન 2-3 પ્રોગ્રામના પ્રોજેકટ એક્ઝિક્યુટિવ ઋષિકુમાર શર્માએ ઈંટરએક્ટિવ સેશન દ્વારા બાળકોને માહિતીસભર જાણકારી આપી હતી. તેમણે ઈતિહાસ રચનાર ‘એપોલો 11’ ઇવેંટ અને અવકાશ ક્ષેત્રમાં તેના મહત્ત્વ વિશે માહિતી આપી તથા નીલ આર્મસ્ટ્રોંગ વિષે પણ જણાવ્યું હતું. ‘એપોલો 11’ના 52 વર્ષ વિષે તથા આજ સુધી થયેલા મૂન લેંડિંગ મિશન્સ વિશે જણાવ્યુ હતું. આ ઉપરાંત તેમણે ચન્દ્રયાન 1,2,3ના નાનાંથી લઈને સૌથી મોટાં ભાગો વિશે સમજણ આપી હતી. ગગનયાન અને અવકાશ ક્ષેત્રે ભારતના ભાવિ વિશે પણ એમણે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી.

વિદ્યાર્થીઓએ મૂન લેંડિંગ ગેમ, મૂન વોક, ચન્દ્રયાન અને PLSV C11 લોંચના નિર્દેશનોનો આનંદ લીધો હતો. વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ નિર્મિત એક્વેટિક ગેલેરી, રોબોટીક્સ ગેલેરી અને નેચરપાર્કની મુલાકાત પણ લીધી હતી.