GUની સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રંગેચંગે વાર્ષિકોત્સવ ઊજવાયો

 વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની સાયન્સ કોલેજ- મહેસાણા અર્બન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સિસ દ્વારા તાજેતરમાં વાર્ષિકોત્સવ-સિનર્જી 23ની ભારે રંગચંગ ઊજવવામાં આવ્યો હતો, જેમાં વિશેષ મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર (મેમ્બર-સેક્રેટરી) પ્રો. ડો. જયેન્દ્ર શાહ જાદવ તેમ જ લેખિકા, અનુવાદિકા અને પ્રા. ડો. દ્રષ્ટિ રઘુવીરભાઈ ચૌધરી-પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. યુનિવર્સિટીની સાયન્સ અને ફાર્મસી ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન પ્રો. એસ. એસ. પંચોલી તેમ જ સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડો. અમિત પરીખ સહિત અનેક વિદ્વાન પ્રાધ્યપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિનર્જી ઈવેન્ટના પ્રારંભે મહેસાણા અર્બન ઇન્સ્ટિ. ઓફ સાયન્સના પ્રિન્સિપાલ અને સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. ડો. અમિત પરીખે પ્રવચનમાં મહેમાનો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓના સ્વાગત બાદ કોલેજમાં વર્ષભર થયેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ- સંશોધન તેમ જ કલા, સાહિત્ય અને સ્પોર્ટ્સના ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલી વિવિધ સિદ્ધિઓને બિરદાવી હતી.

આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ (એલ્યુમ્ની સ્ટુડન્ટ્સ)નું પણ તેમણે સ્વાગત કર્યું હતું અને તેમની સિદ્ધિઓ બિરદાવી હતી. એક્ઝિ. ડીન પ્રો. ડો. એસ.એસ. પંચોલીએ પણ વિદ્યાર્થીઓને ઊજવાઈ રહેલા કલા મહોત્સવની જીવનમાં શી મહત્તા છે – એ સમજાવી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.

વિશેષ મહેમાન પ્રો. ડો. જયેન્દ્ર સિંહે વાર્ષિકોત્સવને બહુ યોગ્ય રીતે જ અપાયેલા નામ-સિનર્જીની વિવિધ અર્થછાયાઓ વિશે વિશદ્ છણાવટ કરી અને વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે જીવનમાં જે કંઈ કરો, એ શ્રેષ્ઠ કરો- પછી એ નૃત્ય હોય, ચિત્રકલા હોય કે એન્જિનિયરિંગ હોય કે વિજ્ઞાન, તમારી મનગમતી પ્રવૃત્તિ કરો અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરો.

બીજા વિશેષ મહેમાન દ્રષ્ટિબહેન પટેલે તેમના વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વાતો કરતાં કહ્યું હતું કે જીવનમાં ઊંચા આદર્શો-મૂલ્યોને જાળવીને જીવવું જોઈએ.

વર્ષમાં ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ-સંશોધનમાં, NSSમાં, સમાજસેવા ક્ષેત્રે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, સ્પોર્ટ્સમાં, યૂથ ફેસ્ટિવલમાં, કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઇનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં. વિદ્યાર્થીઓએ ડાન્સ, મ્યુઝિક અને ડ્રામા જેવા અનેક પર્ફોર્મન્સ રજૂ કરીને સાંજને કલરફુલ બનાવી હતી.