રાજ્યમાં 84 ટકા વરસાદ વરસ્યો : ભારે વરસાદની સંભાવના

અમદાવાદઃ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. બીજી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્ય પ્રદેશના ઉત્તર-પૂર્વમાં તૈયાર થઈ છે, જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જોકે હવામાન વિભાગના રિજિયોનલ ડિરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે આ વખતે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદની અસમાનતા ઘણી વધુ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ માત્રામાં વરસાદ પડ્યો હતો. આ વર્ષે જૂન અને જુલાઈમાં ગયા વર્ષની તુલનાએ ઓછો વરસાદ પડ્યો હતો, પરંતુ ચોથી ઓગસ્ટ પછી સ્થિતિ બદલાઈ ગઈ હતી. આ વર્ષે ડેમોમાં પણ સારીએવી માત્રામાં પાણીની આવક થઈ હતી.

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમ્યાન સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ખેડા, આણંદ સહિત ઉત્તર ગુજરાતનાં મહેસાણા પોરબંદર, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 83.6 ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં 18 ઓગસ્ટ સુધી સરેરાશ 83.6 ટકા વરસાદ પડી ગયો છે. વળી રાજ્યમાં એક જ સપ્તાહમાં કુલ વરસાદના 31 ટકા વરસાદ વરસ્યો હતો.

NDRFની ટીમ પણ તૈયાર રખાઈ

આગામી સપ્તાહમાં 19થી 23 ઓગસ્ટ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે તમામ વિભાગોને સાવધાન રહેવા અને તૈયારી કરવા પણ જરૂરી સૂચના આપવામાં આવી છે.

વલસાડમાં ભારે વરસાદ   

વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો  છે. વલસાડના ઉમરગામમાં અડધો ઇંચથી વધારે તો કપરાડામાં પોણા એક ઈંચથી વધારે ખાબક્યો હતો. વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયાં હતાં. વલસાડના એમ. જી. રોડ, મોગરાવાડી, દાણાબજારમાં રસ્તા પર પાણી ભરાયાં હતાં.

ઉકાઈ ડેમની સપાટીમાં વધારો

ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. જેથી ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 1.32 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી સુરત અને તાપી જિલ્લાના તાપી નદીની આસપાસનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

પૂરમાં પિતા-પુત્ર તણાયા

ભાલ પંથકમાં આવેલા પાળિયાદ-માઢિયા વચ્ચે પસાર થતી ઘેલો નદીમાં આવેલા પૂરમાં પિતા-પુત્ર તણાઈ ગયા હતા.  ભારે વરસાદને કારણે ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ હતી અને જળસ્તર સતત વધી રહ્યું હતું. એવા સમયે ઘેલો નદીમાંથી પસાર થઈ રહેલા પિતા-પુત્ર ઘેલો નદીમાં આવેલા ભારે પૂરમાં તણાઈ ગયા હતા. સ્થાનિકોએ તંત્રને જાણ કરીને બન્ને પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.

કુલ 98 જળાશયો હાઇ એલર્ટ પર

સિંચાઇ વિભાગ દ્વારા જણાવ્યું હતુ કે સરદાર સરોવર જળાશયમાં 1,81,997 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 54.48% છે. રાજ્યનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 64.37 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-98 જળાશયો છે, એલર્ટ ઉ૫ર કુલ નવ જળાશયો તેમજ વોર્નિંગ ઉ૫ર 14 જળાશયો છે.