અમદાવાદ: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ 50 ફૂટની જગ્યામાં આ મૂર્તિ સ્થપાશે. મંદિરના મહંત વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, 8 એપ્રિલે હનુમાન જયંતી પ્રસંગે મૂર્તિનું અનાવરણ કરાશે. મૂર્તિ નિર્માણ માટે 3 મહિનાનો સમય લાગશે. મૂર્તિમાં રાજસ્થાનના ભીલવાડાથી મગાવાયેલા ખાસ બ્લેક ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ કરાશે. રાજસ્થાનના મૂર્તિકારો તથા 60 કારીગરો મૂર્તિ તૈયાર કરશે. મૂર્તિ માટેના ગ્રેનાઇટનો પહેલાં લેબોરેટરી ટેસ્ટ કરાશે, તે માટે મંદિરમાં જ લેબ બનાવાઈ છે.
54 ફૂંટ ઉંચી અને 500 ટન વજન ધરાવતી મૂર્તિ તૈયાર કરવામાં આવશે. હનુમાનજી મહારાજની આ મૂર્તિમાં દાદાના હાથમાં રહેલી ગદાની ઉંચાઈ 54 ફૂટ અને પહોળાઈ 13 ફૂટ જેટલી હશે. મૂર્તિના પગનું વજન જ 210 ટન હશે. આ મૂર્તિને 1 હજાર વર્ષ સુધી કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય તે રીતે તૈયાર કરાશે. શિલ્પ શાસ્ત્ર અનુસાર મૂર્તિમાં લોખંડનો ઉપયોગ કરાશે નહી. મૂર્તિના પાયા જમીનની અંદર 4 ફૂટમાં રહેશે.