બનાસકાંઠામાં હાર્ટ એટેકથી 20 વર્ષીય વિદ્યાર્થીનું દુ:ખદ અવસાન

બનાસકાંઠા:  પાછલા ઘણા સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી ગયાં છે. હાલ બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. પાલનપુરમાં એક 20 વર્ષીય વિદ્યાર્થીને કોલેજમાં હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. હાલ, યુવકના પરિવાર શોકમાં છે. કોલેજમાં જ યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. દરમિયાન વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટાકરવાડા ગામનો યુવાન નિકુલ પાલનપુરની જી ડી મોદી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. નિકુલ સવારે કોલેજમાં અભ્યાસ માટે પહોંચ્યો, ત્યાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો. આ સ્થિતિને નિકુલ અને તેના સહાધ્યાયીઓ વધુ કંઈ સમજે તે પહેલા યુવાન બેભાન થઈ ગયો. નિકુલ બેભાન થઈ ઢળી પડતાં જ વિદ્યાર્થીઓએ કોલેજના અધિકારીઓને જાણ કરી. કોલેજ સ્ટાફે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને નિકુલને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલના તબીબે 20 વર્ષીય યુવાન નિકુલની ચકાસણી કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો. યુવાનનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું હોસ્પિટલમાં ફરજ પરના તબીબે જાહેર કર્યું. નિકુલ ખાડેડીયા કોલેજમાં બેભાન થયા બાદ હોસ્પિટલ લઈ જતી વખતે વિદ્યાર્થીઓ દ્વારા તેના પરીવારને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ નિકુલનો પરીવાર હોસ્પિટલ પંહોચે તે પહેલા જ તબીબે યુવાનને મૃત જાહેર કર્યો. હોસ્પિટલ પંહોચ્યા બાદ પરીવારને આ સમાચાર મળતાં તેમના પર આભ તૂટી પડ્યું. વ્હાલસોયો દીકરો ગુમાવતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો.