અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે, ત્યારે શુક્રવારે કચ્છના લખપત તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી તાલુકાના બે ડેમ ઓવરફ્લો થયા હતા. તાલુકામાં આવેલા ગોધાતડ અને સાનંધ્રો ડેમ ઓવરફ્લો થતાં તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ અતિ ભારે વરસાદના કારણે તાલુકાના બાલાપર ગામ પાસેનો પૂલ તૂટી પડતાં પૂલ પરથી પસાર થઈ રહેલું ટ્રેલર પલટી ગયું હતું. નદી પરનો પૂલ તૂટતાં પાંચ ગામ તાલુકા મથકથી સંપર્કવિહોણાં થયાં હતાં.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વલસાડના ધરમપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ ચાર ઇંચ, વલસાડના કપરાડા અને નવસારીના વાંસદામાં 3-3 ઇંચ, નવસારીના ચીખલી અને ખેરગામ તથા ડાંગના સુબિરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગના વઘઈ, વલસાડના વાપી અને પારડીમાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગે રાજ્યમાં હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્છમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.