ચારુસેટની બંસરી વ્યાસને કેનેડાની સ્કોલરશિપ મળી

ચાંગા: વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ની  ભૂતપૂર્વ વિદ્યાર્થિની-એલ્મની બંસરી સત્યેન વ્યાસ હાલમાં કેનેડામાં ઓન્ટારિયો સ્ટેટમાં ઓટ્ટાવા સિટીમાં રહે છે અને ઓટ્ટાવામાં કાર્લટન યુનિવર્સિટીમાં ટીચિંગ આસિસ્ટન્ટ-રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે COLD લેબોરેટરીમાં પ્રો. માર્ક બુલેના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરે છે અને સંશોધન કરે છે. બંસરીને બે વર્ષ માટે કાર્લટન યુનિવર્સિટીએ 92,010 કેનેડિયન ડોલરનું ફંડિંગ-સ્કોલરશિપ આપી છે. આ ઉપરાંત તેને દર મહિને  4000 કેનેડિયન ડોલરની સ્કોલરશિપ પણ મળે છે. બંસરીએ સ્કોલરશિપ, રિસર્ચ-ટીચિંગ આસિસ્ટન્ટશિપ પ્રાપ્ત કરી દેશ-વિદેશમાં ચારુસેટ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

આણંદની 21 વર્ષની બંસરીએ ચારુસેટ યુનિવર્સિટીમાંથી PDPIAS કોલેજમાં ત્રણ વર્ષ  બી. એસસી. ઓનર્સ ફિઝિક્સનો અભ્યાસ કર્યો છે અને 9.8 CGPA ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેણે સન 2020માં ચારુસેટ યુનિવર્સિટીમાંથી બી. એસસી. ઓનર્સ ફિઝિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

હાલમાં બંસરી અભ્યાસ કરવાની સાથે સાથે હાલમાં તે ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે પ્રથમ વર્ષ બી. એસસી.ના વિદ્યાર્થીઓને શીખવાડે છે. ચારુસેટ NAAC પ્રમાણિત યુનિવર્સિટી હોવાને કારણે બંસરીને કેનેડાની યુનિવર્સિટીમાં એડમિશન મેળવવામાં ફાયદો થયો હતો.  હાલમાં બંસરી ગ્રેજયુએટ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.

બંસરી કહે છે કે કેનેડામાં પાર્ટિકલ  ફિઝિક્સના ફિલ્ડમાં આગળ વધવા માટે મારો મજબૂત શૈક્ષણિક પાયો ચારુસેટમાં મજબૂત થયો હતો. મારા બેચલર્સ દરમિયાન PDPIASના પ્રોફેસરો તરફથી મળતું માર્ગદર્શન, અમારા ડિપાર્ટમેન્ટની લેબની સુવિધાઓ, કો-કરીક્યુલર પ્રવૃતિઓમાં ભાગ લેવાની તક મળી હતી. આ ઉપરાંત મારા સુપરવાઇઝર અને PDPIASનાં પ્રોફેસર ડો. ઋચા દેસાઈના માર્ગદર્શન હેઠળ મને રિસર્ચ કરવાની તક મળી હતી. મારી શૈક્ષણિક યાત્રામાં આગળ વધવામાં ચારુસેટે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેનું ઋણ અદા કરવા ભવિષ્યમાં મારું પ્રદાન આપવાનું અને ચારુસેટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું ગમશે.