દેખાવકારોના ઘેરાવ પછી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે ભાગ્યા

કોલંબોઃ આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા શ્રીલંકામાં આજે વિરોધી પ્રદર્શન તેજ થયાં છે. આ દેખાવકારો ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગ કરી રહ્યા છે. દેખાવકારોએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાને ઘેરાવ કર્યો હતો. જે પછી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે નિવાસસ્થાન છોડીને ફરાર થયા છે, એમ સેનાનાં ટોચના સૂત્રએ જણાવ્યું હતું. જે પછી શ્રીલંકાની પોલીસે કેટલાય વિસ્તારોમાં કરફ્યુ લગાડી દીધો હતો.

કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ નિવાસને દેખાવકારોએ બપોરે ઘેરી લીધું હતું. ત્યાર બાદ દેખાવકારોએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર ભારે તોડફોડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દેખાવકારોએ રાજપક્ષેની માગ કરતાં તેમના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. જોકે પોલીસે દેખાવકારોને રાષ્ટ્રપતિ નિવાસમાં જતા રોકવા આંસુ ગેસનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર પાણીનો મારો ચલાવ્યો હતો તેમ ગોળીબાર કર્યો હતો. જોકે દેખાવકારો રાષ્ટ્રપતિ નિવાસમાં ઘૂસી ગયા હતા અને ધમાલ કરી હતી.

માહિતી આપનારા સૂત્રએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બેકાબૂ ભીડને રોકવા માટે સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યો હતો. દેખાવકારો અને પોલીસ વચ્ચે થયેલી ઝડપમાં બે પોલીસ કર્મચારીઓ સહિત કમસે કમ 30 લોકો ઘાયલ થયા હતા. હજારો દેખાવકારોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યા હતા.

બીજી બાજુ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ દેશની સ્થિતિના સમાધાનની ચર્ચા કરવા માટે પાર્ટીના નેતાઓની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. તેમણે વિનંતી કરી હતી કે અધ્યક્ષ સંસદને બોલાવે.