જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું નિધન

ટોકિયોઃ પશ્ચિમ જાપાનના નારા શહેરમાં આજે સવારે સંસદીય ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન ભાષણ વખતે કરવામાં આવેલા ગોળીબારમાં ઘાયલ થયેલા જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું નિધન થયું છે, એમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. આબે 67 વર્ષના હતા અને જાપાનના સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાન પદે રહેનાર નેતા હતા. જાપાનમાં 1930ના દાયકામાં યુદ્ધપૂર્વેના સૈન્યવાદના દિવસોથી કોઈ વર્તમાન કે ભૂતપૂર્વ વડાપ્રધાનની હત્યા કરાઈ હોય એવો આ પહેલો જ બનાવ છે.

ગોળી વાગવાથી જખ્મી થયેલા આબેને હેલિકોપ્ટર મારફત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ એમનો શ્વાસ થંભી ગયો હતો અને એમનું હૃદય પણ ધબકતું અટકી ગયું હતું, એમ રોઈટર સમાચાર સેવાએ જાપાની અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે. હુમલાખોર શખ્સની ઘટનાસ્થળે ધરપકડ કરવામાં આવી હતી. હુમલાખોરે દેશી બંદૂકમાંથી આબે પર એમની પાછળથી ગોળીબાર કર્યો હતો.