શ્રીલંકામાં સર્વ-પક્ષીય સરકાર રચવા વિરોધપક્ષો સક્રિય

કોલંબોઃ શ્રીલંકામાં અભૂતપૂર્વ આર્થિક કટોકટી સર્જાઈ છે અને તેને કારણે પ્રશાસન ઠપ થઈ ગયું છે. દેશમાં નવી સર્વ-પક્ષીય સરકારની રચના કરવા વિશે ચર્ચા કરવા માટે મુખ્ય વિરોધ પક્ષોએ આજે અહીં વિશેષ બેઠક યોજી હતી. અભૂતપૂર્વ લોકજુવાળને કારણે રાજકીય અંધાધૂંધી ફેલાતાં પ્રમુખ ગોટાબાયા રાજપક્ષા અને વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પોતપોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. દેખાવકારોએ પ્રમુખ અને વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનો પર કબજો જમાવી દીધો છે.

દેશના મુખ્ય વિરોધ પક્ષ સમાગી જન બાલવેગાયા (એસજેબી) તથા એના સાથી પક્ષોનાન નેતાઓએ આજે બેઠક યોજી હતી. એમાં વિપક્ષી નેતા સાજિથ પ્રેમદાસ, શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસના નેતા રઉફ હકીમ, તામિલ પ્રોગ્રેસિવ અલાયન્સના નેતા માનો ગણેશન અને ઓલ સીલોન મક્કલ કોંગ્રેસના નેતા રિશાદ બથીઉદ્દીને હાજરી આપી હતી. નવ પક્ષોના નેતાઓની એક અન્ય બેઠક પણ યોજાઈ હતી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ શ્રીલંકાના ઉપપ્રમુખ વીરાસુમન વીરસિંઘેએ કહ્યું છે કે સર્વપક્ષીય સરકારની રચના વિશે વિસ્તારપૂર્વક ચર્ચા થશે. પ્રમુખ રાજપક્ષા 13 જુલાઈએ રાજીનામું આપવા તૈયાર થયા છે.