આણંદ: તારાપુર હાઈવે પર ટ્રક-ઈકો કાર વચ્ચે ભીષણ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર એક બાળકી સહિત તમામ 10 લોકો મોતનો કોળિયો બની ગયા હતા. આ અકસ્માત બાદ ટ્રકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતથી ભાવનગર ઈકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગરના વરતેજ ગામના અજમેરી પરિવારનો વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકો સહિત 10 જણના ઘટનાસ્થળે જ કરુણ મોત થયાં છે. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છે. તારાપુર પોલીસે મૃતકોની ઓળખ કરી તેમના પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે માર્ગ-અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેક્ટર સાથે તાત્કાલિક ટેલિફોનિક વાતચીત કરી સૂચનાઓ આપી છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવશે. તેમણે અકસ્માતને પગલે ટ્વિટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આણંદ જિલ્લાના તારાપુરના ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર અકસ્માતથી થયેલા મૃત્યુથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…
— Vijay Rupani (@vijayrupanibjp) June 16, 2021
આ અકસ્માતની જાણ થતાં કોંગ્રેસના શક્તિસિંહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
અશુભ સમાચાર : ગંભીર અકસ્માત: સુરતથી ભાવનગર જતી ઇકો તારાપુર પાસે ટ્રક સાથે અથડાતાં 10નાં મોત, 1 બાળકી પણ સામેલ, હોવાના સમાચાર થી વ્યથિત : સદગત આત્માઓ ને શ્રદ્ધા સુમન . માર્ગ અકસ્માતો રોકવા પ્લાન બનાવવો જરૂરી . મૃતકો અમારા ભાવનગરના હોવાની માહિતી છે . pic.twitter.com/REXf1KXIbS
— Shaktisinh Gohil (@shaktisinhgohil) June 16, 2021
તમામ મૃતકોને તારાપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભયંકર અકસ્માતને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કારમાં સવાર નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોતથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે.