સાયન્સ સિટીમાં ઓઝોન ડે અને નેશનલ એન્જિનિયર્સ ડેની ઉજવણી

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ અને રાષ્ટ્રીય ઇજનેરો દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતની ઘણી એન્જિનિયરિંગ કોલેજો અને વિવિધ શાળાઓના 2,000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિશ્વ ઓઝોન દિવસ: પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ

સાયન્સ સિટી ખાતે વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે, કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના મુલાકાતી વિદ્યાર્થીઓ માટે પર્યાવરણીય જાગૃતિ પર એક પેનલ ચર્ચા અને નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઓઝોન સ્તરનું મહત્વ, હાલમાં તે જે જોખમોનો સામનો કરી રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાના પગલાં વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાંતો અને વિદ્યાર્થીઓએ ઉદ્યોગ અને ટેકનોલોજીના વિકાસ સાથે પર્યાવરણીય સંતુલન જાળવવાની જરૂરિયાત સમજાવી હતી. આ ઉપરાંત, આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ પર પણ ઉપયોગી ચર્ચાઓ યોજાઈ હતી. ઓઝોન દિવસ નિમિત્તે, વિદ્યાર્થીઓને માહિતીપ્રદ રમતો રમવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓ મનોરંજનની સાથે પર્યાવરણ પ્રત્યેની તેમની સમજણ વધારી શકે.

વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલની યાદમાં ઉજવવામાં આવે છે. જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા રસાયણોના ઉપયોગને ઘટાડવા માટે બનાવવામાં આવ્યો હતો. ૧૯૯૪માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય ઇજનેર દિવસ: નવીનીકરણ અને વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા

ગુજરાત સાયન્સ સિટી ખાતે રાષ્ટ્રીય ઇજનેર દિવસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ ભારતના મહાન ઇજનેર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વેશ્વરાયની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆતમાં વિશ્વેશ્વરાયના જીવન અને યોગદાન પર આધારિત ફિલ્મ બતાવવામાં આવી હતી. પછી પેનલ ચર્ચામાં નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ઇનોવેશન, નેટ-ઝીરો ટાર્ગેટ્સ, રિન્યુએબલ એનર્જી, એનર્જી એફિશિયન્સી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવાં મહત્વપૂર્ણ વિષયો પર માહિતીપ્રદ માહિતી આપી હતી. ખાસ કરીને, સંદેશ આપવામાં આવ્યો હતો કે ભવિષ્યના ઇજનેરોએ ફક્ત નવી વસ્તુઓ જ નહીં, પણ એવી વસ્તુઓ પણ શોધવી જોઈએ જે માનવ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે.જ્ઞાન, સંવાદ અને પ્રેરણા માટેનું એક મંચ

ઓઝોન દિવસ અને રાષ્ટ્રીય ઇજનેરો દિવસની સંયુક્ત ઉજવણીએ યુવાનોને વિજ્ઞાન, ઇજનેરી અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજવાની એક મહત્વપૂર્ણ તક પૂરી પાડી. નિષ્ણાતોના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પરિવર્તન લાવવાની પ્રેરણા મળી.