“બ્લુ ટ્રાન્સફોર્મેશન”ના સંદેશ સાથે વર્લ્ડ ફિશરીઝ ડેની ઉજવણી

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટીએ 21મી નવેમ્બરે વર્લ્ડ ફિશરીઝ ડેની ઉજવણી કરી. જેને તેમણે વિવિધ કાર્યક્રમોથી સમૃદ્ધ બનાવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષા, જીવનજીવિકા, સંસ્કૃતિ અને પર્યાવરણીય સ્થાયિત્વમાં ફિશરીઝની મહત્વની ભૂમિકા અંગે જનજાગૃતિ લાવવાનો હતો. વૈશ્વિક સ્તરે આ દિવસનો હેતુ જવાબદાર માછીમારી તેમજ જળચર પરિસ્થિતિ તંત્રોના સંરક્ષણના મહત્વને ઉજાગર કરવાનો છે, જે કરોડો લોકોના જીવનને આધાર આપે છે.આ વર્ષની વૈશ્વિક થીમ “વી હેવ નોટ કોટ એનિથિંગ, બટ… લેટ અસ લોઅર ધ નેટ્સ” સ્થાયિત્ત્વ, આશા અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપે છે. તે જ ભાવના સાથે ભારતે “ઇન્ડિયાઝ બ્લુ ટ્રાન્સફોર્મેશન: સ્ટ્રેન્થનિંગ વેલ્યુ એડિશન ઇન સીફૂડ એક્સપોર્ટ્સ” થીમ અપનાવ્યો છે, જે ગુણવત્તા સુધારણા, આધુનિક પ્રોસેસિંગ, ટ્રેસેબિલિટી અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દેશના વ્યૂહાત્મક પ્રયત્નોને મજબૂત બનાવે છે.

સાયન્સ સિટીમાં આ ઉજવણીને વિવિધ જ્ઞાનસભર અને આકર્ષક પ્રવૃત્તિઓ દ્વારા આગળ વધારવામાં આવી.

  • ડિબેટ સ્પર્ધા: વિદ્યાર્થીઓએ સ્થાયી માછીમારી, હવામાન પરિવર્તન અને આધુનિક એક્વાકલ્ચર પર પોતાના વિચારો રજૂ કર્યા.
  • એક્વા વેન્ચર ગેમ: આનંદથી ભરપૂર આ ગેમ દ્વારા ભાગ લેનારોએ સમુદ્રી જૈવિવિવિધતા અને પર્યાવરણીય સંતુલન સમજી શક્યું.
  • કેેન્વાસ પેઈન્ટિંગ અને ફોટોગ્રાફી સ્પર્ધા: યુવા કલાકારોએ જળચર જીવનની સુંદરતા અને તેના સંરક્ષણની તાત્કાલિક જરૂરિયાતને રચનાત્મક રીતે રજૂ કરી.

ગુજરાત યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. “ભારતનું ‘બ્લુ ટ્રાન્સફોર્મેશન’ માત્ર આર્થિક વ્યૂહરચના નથી — તે પર્યાવરણીય પ્રતિબદ્ધતા છે,” એવું ગેલેરીની સિનિયર એજ્યુકેટર શ્રીમતી નિષ્ઠાએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે દરેક માછલી, દરેક પરિસ્થિતિ તંત્ર અને દરેક સમુદ્રી સમુદાય આરોગ્યપ્રદ અને સ્થાયી ભવિષ્ય ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમ દરમિયાન શપથવિધિ પણ યોજાઈ, જેમાં ઉપસ્થિતોએ જળચર જીવનના સંરક્ષણ, પાણીના સ્ત્રોતોના સદુપયોગ અને જવાબદાર માછીમારી માટે પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ લીધો. આ શપથએ આપણાં સમુદ્રો અને સ્વચ્છ જળપ્રણાલીઓને સુરક્ષિત રાખવાની સામૂહિક જવાબદારીની યાદ અપાવી.

કાર્યક્રમને વધુ અર્થસભર બનાવતાં નિષ્ણાતોએ આધુનિક એક્વાકલ્ચર ટેકનોલોજી, પર્યાવરણમિત્ર માછીમારી સાધનો અને સમુદાય આધારિત સંરક્ષણ મોડલોના વધતા મહત્વ વિશે સૂચિત કર્યું. આવી નવીનતાઓ કુદરતી આવાસ પરનું દબાણ ઘટાડવામાં અને લાંબા ગાળે સ્થાયિત્વ સુનિશ્ચિત કરવામાં સહાયક બને છે.