નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહે સંસદમાં જર્મનીમાં ફસાયેલી ગુજરાતી દીકરી અરિહાનો મામલો ઉઠાવ્યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. આ તરફ શિવસેનાના નેતા નરેશ ગણપત મ્હસ્કેએ પણ જર્મનીની કસ્ટડીમાં રહેલી બાળકી અરિહાને ભારત લાવવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. શક્તિસિંહે સંસદમાં કહ્યું હતું કે 3 વર્ષથી બાળકી જર્મની સરકારની કસ્ટડીમાં છે, તેને છોડાવીને ભારત પરત લાવવામાં આવે. શક્તિસિંહે આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતાં આકરા પ્રહાર પણ કર્યા હતા અને સરકારની ઈચ્છાશક્તિ પર સવાલ પણ ઉઠાવ્યા હતા.શિવસેનાના નેતા નરેશ ગણપતે વિદેશમંત્રીને જણાવ્યું હતું કે આ મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને જર્મનીની સરકાર સાથે ચર્ચા કરીને અરિહા શાહને વહેલી તકે ભારત લાવવામાં આવે. બાળકીનાં માતા-પિતાએ જર્મનીની સરકારથી લઈને ભારત સરકાર પાસે મદદ માટે પોકાર કરી રહ્યાં છે અને અપીલ કરી છે કે અરિહાને ગુજરાત ચાઈલ્ડ વેલ્ફેર એજન્સીની કસ્ટડીમાં ભારત લાવવામાં આવે. અમદાવાદ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ અરિહાના ઉછેર માટે એક ફોસ્ટર પરિવાર પણ શોધી લીધો છે. બાળકી 36 મહિનાથી પણ વધુ સમયથી જર્મનીની કસ્ટડીમાં ફોસ્ટર કેરમાં રહે છે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાતી દંપતી ભાવેશ શાહ અને ધારા શાહ ભારતથી જર્મની ગયાં અને સારી નોકરી કરવા લાગ્યાં. દરમિયાન આ દંપતીને એક દીકરી અવતરી. નામ તેનું અરિહા રાખ્યું. એક દિવસ એવું બન્યું કે ભારતથી આવેલા ભાવેશ શાહનાં માતા પૌત્રીને રમાડી રહ્યાં હતાં. એ દરમિયાન અરિહાના પ્રાઇવેટ પાર્ટ પાસે લોહીના ડાઘ જોવા મળ્યા. દંપતી હાંફળું-ફાંફળું થઇને ડોક્ટર પાસે દોડી ગયું. ડોક્ટરે તપાસ કરીને આ કેસમાં બાળકીની જાતિય સતામણી થઈ હોવાનો આરોપ લગાવીને સમગ્ર મામલો જર્મનીની ચાઈલ્ડ કેર સંસ્થાને સોંપી દીધો. ત્યારબાદ ત્યાંની કોર્ટમાં કેસ ચાલ્યો અને કોર્ટે અરિહાના માતા-પિતા તેની દેખભાળ કરવા માટે સક્ષમ નથી તેવો નિર્ણય આપ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિવિધ સંસ્થાઓ, જૈન સમાજના લોકો અને ભારતીય સરકાર પણ ફોલોઅપ લઈ રહી છે. જો કે કોંગ્રેસ સાંસદ અને અન્ય સાંસદો દ્વારા આ મામલો વધુ તીવ્રતાથી આગળ વધારવાની માંગ કરવામાં આવી રહી છે. કારણ કે બાળકીને જ્યારે જર્મનીની ફોસ્ટર કેરમાં મૂકી ત્યારે તે માત્ર નવ મહિનાની હતી અને અત્યારે તે લગભગ સાડા ત્રણ વર્ષની થઈ ગઈ છે.
ગુજરાતી મૂળના દંપતી ભાવેશ શાહ અને ધારા શાહની દીકરી અરિહા શાહ છેલ્લાં બે વર્ષથી જર્મનીના ચાઇલ્ડ વેલફેરની કસ્ટડીમાં છે. તાજેતરમાં અરિહાની માતા ધારા શાહે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે કહે છે કે જર્મન સરકાર અરિહાને માતા-પિતાને મળવા નથી દેતી. જુદાં-જુદાં બહાનાં બનાવી મળવાનું ટાળે છે. માતા-પિતા ભારતથી ખાસ દીકરીને મળવાની આશાએ જર્મની ગયાં હતાં, પરંતુ તેમને મળવા નથી દેવાયાં.