ગુજરાતઃ ભાજપ 7થી 12 નવેમ્બર ગૌરવ સંપર્ક અભિયાન યોજશે

ગાંધીનગર– ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરના રોજ બે ભાગમાં યોજાનારી ચૂંટણીમાં ૧૫૦+ નાં લક્ષ્યાંકને હાંસલ કરવાં ૭ નવેમ્બર થી ૧૨ નવેમ્બર ‘‘ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન’’ નો કાર્યક્રમ હાથ ધરશે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રવક્તા આઇ.કે.જાડેજાએ થલતેજ સ્થિત મીડિયા સેન્ટરમાં પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદ, નારણપૂરામાં ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનમાં જોડાશે અને અભિયાનનો પ્રારંભ કરાવશે.

ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાનમાં ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં કેન્દ્રીય નેતાઓ, કેન્દ્રીય પ્રધાનો, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ, પૂર્વ મુખ્યપ્રધાનો, રાજ્યમંત્રી મંડળના સભ્યો, રાજ્યના ભાજપના આગેવાનો જોડાશે. રાજ્યના ૫૦,૧૨૮ બુથોને આ સંપર્ક અભિયાનમાં આવરી લેવાશે. ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન અંતર્ગત ઘરે – ઘરે કાર્યકર્તાઓ ભાજપાની રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની પ્રજાકલ્યાણલક્ષી કામગીરી પહોંચાડશે. પત્રિકા વિતરણ કરશે.