ગુજરાતમાં મુક્ત રીતે ચૂંટણી યોજવા ચૂંટણી પંચ તૈયાર

ગાંધીનગર– ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે રાજ્યનું ચૂંટણી તંત્ર મતદાર જાગૃતિથી લઈ મતદાન સુધીની તમામ પ્રક્રિયાઓ માટે સુસજ્જ બન્યુ છે. અગાઉ પરંપરાગત માધ્યમથી મતદારોને જાગૃત કરાતા હતા, પરંતુ હવે સમય સાથે કદમ મિલાવી ચૂંટણી તંત્ર દ્વારા પરંપરાગત માધ્યમની સાથે આધુનિક મીડિયાના તમામ ઉપકરણનો ઉપયોગ કરી મતદારોને જાગૃત કરી રહ્યું છે. તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન વપરાતા ઈવીએમ-વીવીપેટ જેવા મતદાન માટે જરૂરી સાધનોની તાલીમ તેના સંબંધિત અધિકારી-કર્મચારીઓને માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આચાર સંહિતાના ભંગના કિસ્સામાં ચૂંટણી તંત્ર યોગ્ય કાર્યવાહી કરી રહ્યું છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈને પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્‍યું હતું કે રાજ્યમાં યોજાનાર ગુજરાત વિધાનસભા-૨૦૧૭ની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે  યોજાય તે માટે ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે. મતદારો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનાં દિવસે નિર્ભય બની મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.

VVPAT દ્વારા મતદાનની જાણકારી અપાઈ રહી છે

રાજ્યમાં યુવા અને મહિલા મતદારો, દિવ્યાંગજનો, ત્રીજી જાતિ, આદિજાતિ વિસ્તારના નાગરિકો અને આજીવિકા માટે સ્થળાંતરિત શ્રમિકોના મતદાર યાદીમાં નામ નોંધાય તેમજ યોગ્ય રીતે મતદાન કરી શકે તે હેતુથી ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા વોટર વેરિફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ(VVPAT)ના ઉપયોગ અંગે પ્રત્યક્ષ જાણકારી આપીને માહિતગાર કરવામાં આવી રહ્યાં છે, તેમ તેમણે કહ્યું હતું.

આધુનિક મીડિયાના માધ્યમથી મતદાન જાગૃતિ અભિયાન

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં પોસ્ટર્સ-બેનર્સ પ્રદર્શિત કરવા, રેલી યોજવી, મતદાર જાગૃતિના પોસ્ટર્સની સ્પર્ધા યોજવી, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ગ્રામ્ય-શહેરી વિસ્તારના જાહેર સ્થળો પર ઈ.વી.એમ.(EVM)-વી.વી.પેટ.(VVPAT)ની જાણકારી આપવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઉત્‍સવો – તહેવારો આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા જુદી- જુદી સ્થાનિક બોલીમાં લોકનૃત્યના કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયા પર પ્રચાર સામગ્રી નિયમિત રીતે મૂકવા જેવા વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રકારનાં કાર્યક્રમો આવનારા સમયમાં અસરકારક રીતે ચાલુ રહેશે, તેમ મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન ઉમેર્યું હતું.

૩૪ જેટલા માસ્‍ટર ટ્રેનર્સ દ્વારા ચૂંટણી કામગીરીની વિવિધ પાસાઓની તાલીમ

કેન્‍દ્રીય ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને  ૩૪ જેટલા માસ્‍ટર ટ્રેનર્સની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા રાજ્યના ચૂંટણી સાથે સંકળાયેલા વિવિધ સંવર્ગનાં ૫૦૦ થી વધુ ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. રાજ્યમાં ચૂંટણી સરળ, અસરકારક અને ઝડપી બને તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મતદાર જાગૃતિ અભિયાનની સાથે મતદાનની પ્રક્રિયા પણ સરળ બને તે માટે ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે.

ચૂંટણી તંત્રના ટ્રેનર્સ ટ્રેનિંગ એન્ડ ફેસિલીટેશન(ટીટીએફ) કાર્યક્રમ અંતર્ગત રાજ્યના જિલ્લાઓના રીટર્નીંગ ઓફિસર (આર.ઓ.), આસિસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર (એ.આર.ઓ.) અને આઈ.ટી.આઈ. સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, ચૂંટણી સાથે સંલગ્ન જિલ્લાકક્ષાના તમામ કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવી રહી છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંગેની તમામ પ્રકારની તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં અધિકારીઓને તાલીમ, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા તેમજ મતદાન કરવા માટે જરૂરી એવા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન તેમજ વીવીપેટની ચકાસણી પૂર્ણતાના આરે છે. આમ ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને તેમજ મતદારોને  મતદાન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.

તમામ મતદાન મથકો પર પૂરતી સંખ્યામાં ઈવીએમ-વીવીપેટ મશીન ઉપલબ્ધ

મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈને આ અંગે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૫૦,૧૨૮ મતદાન મથકો આવેલા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ચૂંટણી તંત્રના ધારાધોરણ પ્રમાણે કુલ મતદાન મથકોની સંખ્યાના ગુણાંકમા ૧૫૦ ટકા બેલેટ યુનિટ(બી.યુ.), ૧૨૫ ટકા કંન્‍ટ્રોલ યુનિટ(સી.યુ.), અને ૧૪૦ ટકા વોટર્સ વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ (વીવીપેટ) રાખવાના થાય છે. મતદાન મથકોની સંખ્યા ધ્યાને લેતા ગુજરાત વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ૭૫,૧૯૬ બેલેટ યુનિટ, ૬૨,૬૬૬ કંટ્રોલ યુનિટ અને ૭૦,૧૮૨ વીવીપેટની આવશ્યકતા રહે છે. જે ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાયા છે. આ ઉપરાંત, કેન્દ્રીય ચૂંટણી તંત્ર દ્વારા ૪,૧૫૦ વધારાના વીવીપેટ પણ રાજ્યને ફાળવાયા છે.

૧.૭૯ લાખથી વધુ પોસ્‍ટર્સ, બેનર્સ સહિત દિવાલ પરના લખાણો હટાવાયા

રાજ્યમાં ડિસેમ્‍બરમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. જે અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્‍લાઓમાં ૩૧-૧૦-૨૦૧૭ની સ્થિતિએ જાહેર મિલકત પરથી ૧,૬૩,૧૯૫ અને ખાનગી મિલકત પરથી ૧૬,૭૦૧ એમ કુલ-૧,૭૯,૮૯૬ જેટલા પોસ્‍ટર્સ, બેનર્સ અને દિવાલ પરના લખાણો હટાવવામાં-દૂર કરવામાં આવ્યા છે. જે પૈકી  સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્‍લામાંથી ૫૯,૧૨૫ પોસ્‍ટર્સ, બેનર્સ અને દિવાલ પરના લખાણો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દૂર કરાયા છે.

જેમાં મુખ્યત્ત્વે અમદાવાદ જિલ્લામાં ૫૯,૧૨૫, છોટાઉદેપુર જિલ્લામાં ૯,૨૫૮, રાજકોટમાં ૯,૦૦૬ અને ભાવનગરમાં ૮,૪૯૬ તથા અન્ય જિલ્લાઓની જાહેર મિલકત પરથી કુલ મળીને ૧,૬૩,૧૯૫ જેટલા બેનર્સ-પોસ્ટર્સ-દિવાલ પરના લખાણો વગેરે દૂર કરવામાં આવ્યા છે.

જ્યારે રાજ્યમાં ખાનગી મિલકતો પર અમદાવાદ જિલ્લામાં ૧,૧૫૯, બનાસકાંઠામાં ૧,૦૧૨, મહેસાણામાં ૧૪૫૮, ભાવનગરમાં ૧,૨૦૭, નર્મદા જિલ્લામાં ૧,૪૪૪ તથા અન્ય જિલ્લાઓમાંથી મળી કુલ ૧૬,૭૦૧ જેટલા બેનર્સ-પોસ્ટર્સ-દિવાલ પરના લખાણો વગેરે દૂર કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં વાયોલેશન ઓફ લાઉડ સ્પીકર એક્ટ અંતર્ગત એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ૨૪,૨૬૮ પરવાનાવાળા હથિયારો જમા

ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જે કવાયત હાથ ધરવામાં આવી છે, તે મુજબ રાજ્યમાં હાલમાં કુલ ૫૬,૪૦૬ પરવાનેદાર હથિયાર ધારકો છે. જે પૈકી પ્રથમ સપ્‍તાહમાં જિલ્‍લા કલેકટરોના અધ્યક્ષપદે રચાયેલી સ્‍થાનિક રિવ્યુ કમિટિ દ્વારા સમીક્ષા બાદ કુલ -૨૪૨૬૮ પરવાના હથિયારો જમા કરાવવામાં આવ્યા છે, જ્યારે ૨૨૭ પરવાના રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ચૂંટણી સંબંધી તકેદારીના પગલાંના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કુલ-૯૫૬૫ બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે. રાજ્યભરમાંથી વિવિધ અરજદારો દ્વારા આચાર સંહિતા ભંગની પાંચ રજૂઆતો મળી છે, જે સંદર્ભે સંબંધિત કચેરી-વિભાગો પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]