નવી દિલ્હીઃ દેશનું GST કલેક્શન ઓગસ્ટ, 2026માં વાર્ષિક ધોરણે 14.8 ટકા વધીને લગભગ 2 લાખ કરોડ રૂપિયા થયું છે. ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ, 2025માં કુલ GST કલેક્શન 1.74 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. GST કલેક્શનમાં વધારાનું સૌથી મોટું કારણ વિદેશથી આયાત કરવામાં આવતા માલ પર મળતો ટેક્સ રહ્યો છે, જે 29 ટકા વધીને 62,604 કરોડ રૂપિયા થયો છે. બીજી તરફ, દેશમાં થતી ખરીદી અને વેપારથી મળતું GST પણ 9.3 ટકા વધીને 1.37 લાખ કરોડ રૂપિયા થયું છે. જોકે મહિના દર મહિને સરખામણી કરવામાં આવે તો ઓગસ્ટનું GST કલેક્શન જુલાઈ, 2026ના 2.11 લાખ કરોડ રૂપિયાની સરખામણીએ લગભગ 11,147 કરોડ રૂપિયા ઓછું રહ્યું છે.
અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે GST કલેક્શન
GST કલેક્શન દેશના અર્થતંત્ર કેટલી મજબૂત છે તે દર્શાવતું એક મહત્વનું સૂચક છે. જો GST કલેક્શન વધારે હોય, તો તેનો અર્થ એ થઈ શકે છે કે લોકો વધુ ખરીદી કરી રહ્યા છે, કારખાનાઓમાં ઉત્પાદન વધી રહ્યું છે અને લોકો નિયમિત રીતે ટેક્સ ચૂકવી રહ્યા છે.

2017માં લાગુ કરવામાં આવ્યો હતો GST
કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2017એ દેશમાં GST લાગુ કર્યો હતો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોના 17 કર તથા 13 ઉપકરોને દૂર કરવામાં આવ્યા હતા. જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ઓગસ્ટમાં GST કલેક્શન 1.99 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ આંકડો ઓગસ્ટ મહિનામાં GST મારફતે થયેલી કુલ વસૂલાત દર્શાવે છે. બીજી તરફ કુલ સ્થાનિક GST આવકમાં પણ સતત વધારો નોંધાયો છે. તે 9.3 ટકા વધીને 1,37,249 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 1,25,570 કરોડ રૂપિયા હતો. ઓગસ્ટ, 2026 દરમિયાન સરકાર દ્વારા GST રિફંડની ચુકવણીમાં પણ મોટો વધારો નોંધાયો છે. કુલ GST રિફંડ વાર્ષિક ધોરણે 67.9 ટકા વધીને 31,795 કરોડ રૂપિયા થયું છે, જે ઓગસ્ટ, 2025માં 18,935 કરોડ રૂપિયા હતું.




