આતંકવાદ ના બની શકે વ્યૂહાત્મક હથિયારઃ PM મોદીએ પાકને લગાવી ફટકાર

બિશ્કેક: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને લઈને SCO શિખર સંમેલનમાં અત્યંત આકરો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આતંકવાદ કોઈના માટે પણ ‘વ્યૂહાત્મક સંપત્તિ’ બની શકે નહીં. આતંકવાદને નીતિના હથિયાર તરીકે ઉપયોગ કરનારા અને આતંકવાદીઓને આશ્રય તથા સમર્થન આપનારા દેશોને આકરો સંદેશ આપવો જોઈએ. PM મોદીએ મંગળવારે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલા 26મા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદ માનવતા સામેનો ગંભીર પડકાર છે.

આતંકવાદની સમગ્ર વ્યવસ્થા ખતમ કરવી પડશે

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈને માત્ર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી સુધી મર્યાદિત રાખવી જોઈએ નહીં. તેની પાછળ કામ કરતા સમગ્ર નેટવર્કને ખતમ કરવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદનું ફંડિંગ, આતંકવાદીઓની ભરતી, કટ્ટરપંથ અને આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણાં પૂરા પાડતી સમગ્ર વ્યવસ્થા ખતમ કરવી પડશે. આ ગંભીર મુદ્દે તમામ દેશોએ એકઅવાજમાં વાત કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારનાં બેવડાં ધોરણોને સ્થાન ન હોવું જોઈએ.

ભારતની પ્રથમ પ્રાથમિકતા શાંતિ અને સુરક્ષા છે

PM મોદીએ કહ્યું હતું કે SCO માટે ભારતની વિચારધારાના ત્રણ મુખ્ય આધાર છે—શાંતિ અને સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો. તેમણે કહ્યું હતું કે શાંતિપૂર્ણ અને સુરક્ષિત યુરેશિયાનું સંયુક્ત લક્ષ્ય અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા સાથે પણ જોડાયેલું છે. ભારત અફઘાનિસ્તાનના લોકોના વિકાસ અને માનવતાવાદી સહાય માટે સતત યોગદાન આપતું રહ્યું છે અને આગળ પણ આપતું રહેશે.

SCOનો લાભ સીધો લોકો સુધી પહોંચવો જોઈએ

PM મોદીએ કહ્યું હતું કે SCOના સહયોગનો લાભ સીધો સામાન્ય લોકો સુધી પહોંચવો જોઈએ. તેમણે લોકો વચ્ચેના સંબંધોને આ સંગઠનની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત માટે SCO મહાન સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને વિચારોનો સંગમ છે. સંગઠનના આગામી 25 વર્ષમાં લોકો વચ્ચેના સંબંધોને સહયોગના કેન્દ્રમાં રાખવા જોઈએ. 26મા SCO લીડરશિપ સમિટમાં 10 સભ્ય દેશો, 15 ભાગીદાર દેશો અને બે ઓબ્ઝર્વર દેશો સામેલ છે. તેનો હેતુ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા તથા સહયોગને આગળ વધારવાનો છે.