તહેવારોની સીઝન પહેલાં દાળના ભાવમાં 20 ટકા સુધીનો વધારો

નવી દિલ્હીઃ છેલ્લા એક મહિનામાં દાળના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. આગામી દિવસોમાં તહેવારોને કારણે દાળની માગ વધવાની આશા છે, જેને કારણે તુવેર સહિત અન્ય દાળોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. બજારના જાણકારોનું કહેવું છે કે દેશમાં દાળની કોઈ અછત નથી અને સરકાર પાસે બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. વિદેશી બજારોની સરખામણીમાં સ્થાનિક બજારમાં દાળના ભાવ હજુ પણ ઓછા છે. હાલ ભાવમાં થયેલો વધારો મોસમી છે, પરંતુ વાસ્તવિક પડકાર ઓક્ટોબર પછી શરૂ થઈ શકે છે.

તહેવારોની માગને કારણે દાળ મોંઘી થઈચોમાસાની સીઝનમાં સપ્લાય નબળી રહેવા અને તહેવારોની સીઝનની માગ વધવાને કારણે દાળના ભાવમાં વધારો થયો છે. બજારમાં અડદ દાળનો ભાવ વધીને 130થી 180 રૂપિયા પ્રતિ કિલો, તુવેર દાળનો ભાવ 175થી 195 રૂપિયા અને મસૂર દાળનો ભાવ 140થી 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે.

વર્ષના પ્રથમ છ મહિનામાં 31.80 લાખ ટન દાળની આયાત

ઇન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેન્સ એસોસિયેશન (IPGA)ના આંકડા મુજબ કેલેન્ડર વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ભારતમાં દાળની આયાત ઘટીને 31.80 લાખ ટન રહી છે. એક વર્ષ અગાઉ આ જ સમયગાળામાં 32.27 લાખ ટન દાળની આયાત થઈ હતી. એટલે કે આયાતમાં 1.46 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન તુવેરની આયાત 5.05 લાખ ટન રહી હતી. મોટા ભાગની સપ્લાય મોઝામ્બિક, તાન્ઝાનિયા અને સુદાન જેવા આફ્રિકન ઉત્પાદક દેશોમાંથી થઈ હતી. જાન્યુઆરીથી જૂન દરમિયાન મોઝામ્બિક 1.83 લાખ ટનથી વધુ સપ્લાય સાથે તુવેરનો સૌથી મોટો સપ્લાયર રહ્યો. ત્યાર બાદ મ્યાનમારથી 1.23 લાખ ટન, તાન્ઝાનિયાથી 1.01 લાખ ટન અને સુદાનથી આશરે 49,049 ટન દાળની આયાત થઈ હતી.

મોંઘવારીને કાબૂમાં રાખવાની તૈયારી

ખાદ્ય અને પુરવઠા બાબતોના અધિકારીઓનું કહેવું છે કે સરકાર આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને દાળના ભાવને નિયંત્રણમાં રાખવા માટે સંપૂર્ણપણે સતર્ક છે. સરકાર પાસે આશરે 30 લાખ ટન દાળનો બફર સ્ટોક છે. જરૂરિયાત પડતાં આ બફર સ્ટોકમાંથી બજારમાં દાળનો પુરવઠો કરવામાં આવશે. આ સ્ટોકમાં તુવેર, અડદ, મગ, ચણા અને મસૂરનો સમાવેશ થાય છે. સરકાર બજારના ભાવ પર સતત નજર રાખી રહી છે.