નવી દિલ્હી: અલાહાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હિજાબ ઇસ્લામનો જરૂરી ભાગ નથી. હાઈકોર્ટે આ નિર્ણય એક મુસ્લિમ વિદ્યાર્થિનીની અરજી ફગાવીને આપ્યો હતો. વિદ્યાર્થિનીએ સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની પરવાનગી માગી હતી. કોર્ટે કહ્યું હતું કે તે હિજાબ પહેરવો ઇસ્લામની જરૂરી ધાર્મિક પ્રથા છે તે સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શકી નથી.
આ નિર્ણય જસ્ટિસ જે.જે. મુનિર અને જસ્ટિસ ઇન્દ્રજિત શુક્લાની બેન્ચે આપ્યો હતો. બેન્ચે એમ પણ કહ્યું હતું કે જો કોઈ શૈક્ષણિક સંસ્થાનો ડ્રેસ કોડ એકસમાન, યોગ્ય હેતુથી બનાવવામાં આવેલો, ભેદભાવરહિત અને સંસ્થાની ઓળખ જાળવવાના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવ્યો હોય, તો કોઈ વિદ્યાર્થિની તેમાં ફેરફાર કરવાની માગ કરી શકે નહીં. આવો જ નિર્ણય 2022માં કર્ણાટક હાઈકોર્ટે પણ આપ્યો હતો. તેનો ઉલ્લેખ કરતાં અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે તેની પાસે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયથી અલગ મત રાખવાનું કોઈ ‘કારણ’ નથી. કર્ણાટક હાઈકોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે હિજાબ પહેરવો ઇસ્લામ ધર્મની જરૂરી ધાર્મિક પ્રથા નથી.
શું હતો કેસ?
સુકૈના રિઝવી નામની સ્કૂલની વિદ્યાર્થિનીએ પોતાની માતા મારફતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુકૈના પ્રયાગરાજની એક CBSE સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેણે ધોરણ 10 પાસ કર્યા બાદ આ જ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ ચાલુ રાખવા માગતી હતી. તેણે હાઈકોર્ટમાં અરજી કરીને માગ કરી હતી કે કોર્ટ સ્કૂલને આદેશ આપે કે તેને યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની પણ મંજૂરી આપવામાં આવે. અલાહાબાદ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે હિજાબ ઇસ્લામનો જરૂરી ભાગ નથી. કોર્ટે કહ્યું હતું કે વિદ્યાર્થિની હિજાબ પહેરવો ઇસ્લામની જરૂરી પ્રથા છે તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરી શકી નથી.

હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે વિદ્યાર્થિનીની એ દલીલને ફગાવી દીધી હતી કે જો અગાઉનાં ધોરણોમાં તેને હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી, તો તેને આધારે તેને હિજાબ પહેરવાનો કાનૂની અધિકાર મળી જાય છે.




