તામિલનાડુ હિન્દીને લઈને વિચારધારા બદલેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે વિજય સરકારને લઈને આકરી ટિપ્પણી કરી હતી. અદાલતે કહ્યું હતું કે તામિલનાડુ સરકારને રાજ્યની શાળાઓમાં હિન્દી ભણાવવા અંગે પોતાની માનસિકતા (વિચારસરણી) બદલવાની જરૂર છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને એ.જી. મસીહની બેન્ચે તમિલનાડુમાં નવોદય સ્કૂલોની સ્થાપનાને લગતા એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

નવોદય વિદ્યાલયો કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સહ-શિક્ષણ અને રહેણાક શાળાઓ છે. તેનું સંચાલન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળની નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કરવામાં આવે છે. તામિલનાડુમાં આ શાળાઓની સ્થાપનાનો રાજ્ય સરકાર સતત વિરોધ કરતી રહી છે. તામિલનાડુ સરકારની મુખ્ય આપત્તિઓમાંથી એક આ શાળાઓમાં લાગુ થતી ત્રણ ભાષાની નીતિ છે, જેમાં હિન્દી પણ સામેલ છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ તેની બે ભાષાની નીતિથી વિપરીત છે.

જસ્ટિસ નાગરત્નાએ શું કહ્યું?

જસ્ટિસ નાગરત્નાએ ટિપ્પણી કરી હતી કે તમારે (તમિલનાડુ સરકારને) તમારી વિચારસરણી બદલવી પડશે. એવું ન હોઈ શકે કે તમિલનાડુની ધરતી પર હિન્દી ભણાવવામાં નહીં આવે. અદાલતે એમ પણ ટિપ્પણી કરી હતી કે ચેન્નાઈના લોકોએ દિલ્હીમાં બેઠેલા લોકોને અલગ-થલગ ન કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટ તમિલનાડુ સરકારની તે અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં રાજ્યના દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય સ્થાપિત કરવાનો નિર્દેશ આપતા મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે નવોદય વિદ્યાલયો તામિલનાડુના તમિળ લર્નિંગ એક્ટનું ઉલ્લંઘન કરતા નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આવી શાળાઓ સ્થાપિત કરવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ ઇનકાર, વિદ્યાર્થીઓના પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થા પસંદ કરવાના અધિકારને મર્યાદિત કરે છે. મદ્રાસ હાઈકોર્ટે રાજ્ય સરકારને દરેક જિલ્લામાં 240 વિદ્યાર્થીઓ માટે અસ્થાયી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ તામિલનાડુ સરકાર સર્વોચ્ચ અદાલતમાં પહોંચી હતી. રાજ્ય સરકારનું કહેવું હતું કે શિક્ષણ નીતિ નક્કી કરવી તેના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તેની બે ભાષાની નીતિ નવોદય વિદ્યાલયોના મોડલને અનુરૂપ નથી.