ચાર લૂંટારા, એક એક્સિડન્ટ, અનેક વળાંક…

કલ્પના કરો કે તમે ફૂલપ્રૂફ પ્લાન બનાવીને બેંક લૂંટો છો, લાખોની રોકડ લઈને ભાગો છો, પણ રસ્તામાં તમારી કારની બીજી કાર સાથે ભયાનક ટક્કર થાય છે. હવે, સવાલ એ છે કે આ જીવલેણ એક્સિડન્ટમાં તમારું અથવા તમારા સાથીદારોમાંથી એકનું, અથવા બીજાનું, અથવા ત્રીજાનું મોત થાય તો? દરેક વખતે વાર્તા કેવી રીતે બદલાય?

આ ‘વોટ ઈફ?’ના રસપ્રદ ખેલ પર આધારિત છે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સ્પેનિશ ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘કોલાઈઝન કોર્સ’ (સ્પેનિશ ટાઈટલઃ Colisión). દિવાળીની રજામાં ફિલ્મ જોઈ અને લખ્યો આ અફસાનો.

એક ચેતવણીઃ લેખમાં ક્યાંક ક્યાંક સ્પોઈલર આવશે.

2023માં સ્પેન ગંભીર આર્થિક કટોકટીમાં સપડાયેલું. એ સંજોગોમાં માડ્રિડ શહેરમાં વહેલી સવારે એક બેંકલૂંટ સાથે ફિલ્મની શરૂઆત થાય છે. પેદ્રો, ટોમસ, કારલા અને રાઉલ નામના ચાર લૂંટારાની યોજના બેંકના લોકર-રૂમના લોકર નંબર 34માં રાખેલા કીમતી હીરા ચોરવાની હોય છે.

શરૂઆતમાં આ ચીલાચાલુ બેંકલૂંટ અને તે પછી પોલીસ-તપાસની વાર્તા લાગે, પરંતુ થોડી જ વારમાં સમજાય છે કે ડિરેક્ટર દર્શક સાથે કંઈ અલગ રમત રમી રહ્યા છે. ક્રોનોલોજિકલ પઝલ (સમયચક્રનો કોયડો) અને મલ્ટિપલ ટાઈમલાઈન (અલગ અલગ સમયરેખા)ની ટેકનિકનો ઉપયોગ કરીને એમણે વાર્તાને એવી રીતે રજૂ કરી છે કે દર્શકે થોડું મગજ કસવું પડે. મતલબ કે ચકરી-મઠિયાં-ચોરાફરી ખાતાં ખાતાં માત્ર પડદા પર નજર રાખવાથી નહીં ચાલે. જડબાની સાથે દિમાગ પણ ચાલુ રાખવું પડશે.

હવે, આ ચારેય લૂંટારા રીઢા ગુનેગાર નથી, બલકે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જ સંકળાયેલાં છે. જેમ કે, રાઉલ સાયબર બ્રાન્ચમાં કામ કરે છે, તેના આધેડ વયના પિતા પેદ્રો નિવૃત્ત પોલીસ અધિકારી છે, કારલા મહિલા પોલીસ ઈન્વેસ્ટિગેટર છે અને ટોમસ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ છે. કારલા અને ટોમસ પતિ-પત્ની છે.

બને છે એવું કે બેંકમાં લૂંટ ચલાવતી વખતે ધાર્યા મુજબ લોકરમાંથી હીરા મળતા નથી એટલે હાથમાં જેટલી રોકડ આવી એ લઈને ચારેય ભાગે છે, પરંતુ રસ્તામાં એમની કારનો જીવલેણ અકસ્માત થાય છે. અહીંથી ફિલ્મનો અસલી ખેલ શરૂ થાય છે.

કાર-એક્સિડન્ટ બાદ વાર્તા વારંવાર રિવાઈન્ડ થાય છે. બીજા શબ્દોમાં ડિરેક્ટર વારંવાર આ એક્સિડન્ટવાળી મોમેન્ટ તરફ આવતા રહે છે. એ આપણી સામે સવાલ મૂકે છેઃ ધારો કે આ એક્સિડન્ટમાં ચારમાંથી કોઈ એકનું મોત થાય તો બાકીના ત્રણનાં જીવન કેવી રીતે બદલાઈ જાય? એ રીતે અકસ્માતમાં ચારમાંથી કોણ જીવે છે અને, કોણ મરે છે એના આધારે વાર્તા જુદી જુદી દિશામાં આગળ વધે છે. દરેક નવી ટાઈમલાઈનમાં પાત્રોનાં નવાં રહસ્યો, પરસ્પર વિશ્વાસઘાત, જુઠ્ઠાણાં, ગુનાહિત લાગણી અને લફરાં બહાર આવતાં જાય. બીજા શબ્દોમાં, ડિરેક્ટર આપણને ચાર અલગ અલગ સંભાવનામાંથી પસાર કરાવે છે.

૧. ધારો કે પેદ્રો મરી જાય તો? આધેડ વયના પેદ્રોના મૃત્યુથી તેનો પુત્ર રાઉલ માનસિક સંતુલન ગુમાવી બેસે. પિતાના મોતથી એ એટલો ગુસ્સે થઈ જાય કે પોતાના જ સાથીદારો પર હુમલો કરવા લાગે. અર્થાત્ પેદ્રોના મોતનો આઘાત ગેંગ માટે મુસીબત ઊભી કરે.

૨. ધારો કે કારલા મરી જાય તો?

આ ટાઈમલાઈનમાં એક રહસ્ય બહાર આવે છે. કારલા-રાઉલ વચ્ચે અફેર હતો, કારલા ગર્ભવતી પણ હતી. આની જ્યારે કારલાના પતિ ટોમસને ખબર પડે ત્યારે બેંકલૂંટ બાજુ પર રહી જાય છે ને એ બદલો લેવા નીકળી પડે છે. અહીં ક્રાઈમ થ્રિલરમાં લવ ટ્રાયેન્ગલનો મસાલો પણ ઉમેરાયો છે.

૩. ધારો કે ટોમસ મરી જાય તો? ૪. ધારો કે રાઉલ મરી જાય તો? દરેક સંજોગમાં પાત્રો વચ્ચે સંબંધોનાં સમીકરણ બદલાય છે અને, સાથીદારો બનીને લૂંટ કરવા નીકળ્યાં હતાં એ જ એકબીજાના જીવના દુશ્મન બની જાય છે.

બીજો એક સવાલ એ છે કે શું ખરેખર લૂંટ વખતે હીરા મળ્યા નહોતા? જો મળ્યા હતા તો કોની પાસે છે? રોકડ રકમ અને હીરા મેળવવા કોણ કોની સાથે દગો કરે છે? આ સવાલોના જવાબો સાથે ફિલ્મમાં એક પછી એક નવા ટ્વિસ્ટ આવતા રહે છે.

આ બધાં વચ્ચે એક એવો ટ્વિસ્ટ આવે છે, જે આખી રમતનું ગણિત બદલી નાખે છે. લોકરમાંથી ચોરાયેલા હીરા તો નકલી હતા. હા. જે હીરા મેળવવા ચાર જણ જાનના જોખમે બેંક લૂંટવા નીકળ્યા હતા એ હીરા અસલી હતા જ નહીં.

હકીકતમાં લૂંટારાઓનો પાંચમો સાથીદાર બેંક મેનેજર અર્નેસ્ટો છે. એણે પોતાના ચાર સાથીદારોને અંધારામાં રાખીને લોકરમાંથી અસલી હીરા કાઢી એની જગ્યાએ નકલી હીરા મૂકી દીધા હતા, પરંતુ વાર્તાનો અહીં અંત આવતો નથી.

ખરું જોતાં તો આ બેંકલૂંટ એ મોટું વીમા કૌભાંડ (ઈન્સ્યોરન્સ ફ્રોડ) હતું. હીરાના મૂળ માલિકે પોતે લોકરમાંથી અસલી હીરા હટાવીને એની જગ્યાએ નકલી હીરા મુકાવ્યા હતા. પછી બેંક મેનેજર અર્નેસ્ટો સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો. કીમતી હીરા લૂંટાઈ જાય એટલે અબજો રૂપિયાનો વીમો ક્લેમ કરી શકાય. હીરાનો મૂળ માલિક વીમાની જંગી રકમ ગજવામાં મૂકી દે, જ્યારે બેંક મેનેજર અર્નેસ્ટો લૂંટની રકમમાંથી પોતાનો હિસ્સો અને અસલી હીરામાંથી થોડા લઈને પોતાની લાઈફ સેટ કરી લે. બાકીનાં પાત્રો (ચાર લૂંટારા) નકલી હીરા, લાલચ, જુઠ્ઠાણાં અને પરસ્પર વિશ્વાસઘાતથી બરબાદ થાય.

ઓક્કે. બેંક મેનેજર અર્નેસ્ટો ગેંગનો પાંચમો સાથીદાર હતો એ બેંકલૂંટ પછીના સીનમાં જ દર્શકને કહેવામાં આવે છે, પરંતુ છઠ્ઠો સાથીદાર, એટલે કે હીરાના મૂળ માલિક પર ફિલ્મ ખાસ પ્રકાશ પાડતી નથી.

ચાર લૂંટારાની ગેંગ, એમનો પાંચમો સાથીદાર બેંક મેનેજર અર્નેસ્ટો, હીરાનો મૂળ માલિક ઉપરાંત ફિલ્મમાં એક મહત્વનું પાત્ર છેઃ લોલા. અર્નેસ્ટોની ગર્લફ્રેન્ડ લોલા બેન્ક નજીકની રેસ્ટોરાંમાં વેઈટ્રેસ છે. એનો રોલ શું છે એ જાણવા ફિલ્મ જોવી પડે.

ફિલ્મના અંતમાં ડિરેક્ટર પાંચમી સંભાવના રજૂ કરે છેઃ ધારો કે જીવલેણ કાર-અકસ્માતમાં કોઈનું મૃત્યુ થતું નથી. ચારેય જણ કાર લઈને હેમખેમ ભાગી છૂટે છે. એટલે કે અગાઉની ટાઈમલાઈનમાં જે મોત અને મારામારીના ખેલ ચાલ્યા હતા એમાંનું કંઈ બનતું જ નથી. તો? આમ ડિરેક્ટરે ‘ધી એન્ડ’ ઓપન રાખ્યો છે.

શાળાના પાઠ્યપુસ્તકની ભાષામાં કહીએ તો, ડિરેક્ટર ડેનિયલ સાંચેઝ અરેવાલો આપણને એ કહેવા માગે છે કે કાર-અકસ્માત તો માત્ર એક શરૂઆત હતી. અસલી કોલાઈઝન અથવા ટક્કર તો પાત્રોના પરસ્પર સંબંધો, જુઠ્ઠાણાં, અફેર્સ અને લાલચ વચ્ચે હતી. મતલબ, આ ફિલ્મ સામાન્ય બેંકલૂંટની વાર્તા નથી કહેતી, પણ એક જ લૂંટમાં પાંચ અલગ-અલગ રીતે એકબીજાને દગો આપવાની વાર્તા કહે છે.

જો તમને એક પછી એક આવતા ટ્વિસ્ટ, પાત્રોની માઈન્ડ ગેમ અને હાઈ-ટેન્શન ક્રાઈમ થ્રિલર ગમતી હોય તો ‘કોલાઈઝન કોર્સ’ જોઈ શકાય. હા, વાર્તામાં આવતા વળાંક સમજવા થોડું ધ્યાન રાખવું પડશે, કારણ અહીં કાર જ નહીં, વાર્તાનું સ્ટિયરિંગ પણ વારંવાર યુ-ટર્ન લે છે.