ECIમાં આંતરિક કલહઃ સંધુ, જોશીએ કેબિનેટ સચિવને કરી હતી ફરિયાદ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લઈને સામે આવેલા મતભેદો વચ્ચે હવે પંચમાં વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે કામકાજની વહેંચણી અંગે વિવાદ સામે આવ્યો છે. વાસ્તવમાં, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ વરિષ્ઠ ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગ સામે કાર્યવાહીની માગ કરતાં ૨૯ જુલાઈએ કેબિનેટ સચિવ ટી. વી. સોમનાથનને અલગ-અલગ પત્રો લખ્યા હતા.

ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી લોકેશ કે. બત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી RTI ના જવાબમાં સામે આવેલી ફાઇલ નોટિંગ પરથી આ વિગતનો ખુલાસો થયો છે. બંને ચૂંટણી કમિશનરોના આ પત્રના જવાબમાં કેબિનેટ સચિવાલયે આ બાબતને ગંભીરતાથી લીધી હોવા છતાં કોઈ પણ પ્રકારનાં સીધાં પગલાં લેવાનું યોગ્ય માન્યું નહોતું.

બંને ચૂંટણી કમિશનરો દ્વારા લગાવાયેલા આરોપો

  • મનીષ ગર્ગને મળ્યો હતો વધારાનો ચાર્જ: કેબિનેટ સચિવાલયને લખેલા પત્રમાં બંને ચૂંટણી કમિશનરોએ જણાવ્યું હતું કે ડેપ્યુટી ઇલેક્શન કમિશનર મનીષ ગર્ગને વહીવટી વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. વહીવટી વિભાગના ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ભાનુ પ્રકાશ યેતુરુ ૨૭ જુલાઈથી ૯ ઓગસ્ટ સુધી રજા પર હતા, તેથી મનીષ ગર્ગને આ વધારાની જવાબદારી અપાઈ હતી. પત્રમાં જણાવાયું છે કે મનીષ ગર્ગે ૨૮ જુલાઈના રોજ પોતાનો ચાર્જ સંભાળ્યો અને ગણતરીના કલાકોમાં જ કામકાજની વહેંચણીનો ઓર્ડર જારી કરી દીધો.
  • વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?: ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ પોતાના પત્રમાં જણાવ્યું કે આ આદેશ પંચ અથવા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા વગર અને તેમને જાણ કર્યા વિના જારી કરવામાં આવ્યો હતો. જ્યારે વિવેક જોશીએ પણ પોતાના પત્રમાં લખ્યું છે કે જ્યારે તેમણે મનીષ ગર્ગ પાસે એડમિનિસ્ટ્રેશન ડિવિઝન સંબંધિત ફાઇલ માંગી ત્યારે તેમને ફાઇલ આપવાની ના પાડી દેવામાં આવી હતી. બંને ચૂંટણી કમિશનરોએ આ ઘટનાક્રમ અંગે કેબિનેટ સચિવ પાસે હસ્તક્ષેપ અને કાર્યવાહીની માંગ કરી હતી.