ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં રાજ્યના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. રાજ્યમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટો ગરમાટો આવ્યો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં જૂના 10 મંત્રીઓને સ્થાન નથી અપાયું. આ પહેલાં ગઈ કાલે રાજ્યના 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ આજે મહાત્મા મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે.
રાજ્યના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં આઠ ઓબીસી, ત્રણ એસસી, ચાર એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં આઠ પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આ ફેરબદલ ભાજપના મિશન 2027 માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા નવાં સમીકરણોનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહી છે.
LIVE: ગુજરાત રાજ્યના પદનામિત મંત્રીશ્રીઓનો ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ. https://t.co/OsF6EMbBYW
— BJP Gujarat (@BJP4Gujarat) October 17, 2025
હાલના મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યમંત્રીઓ સહિત 16 મંત્રીઓનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્ય મંત્રી તરીકે બીજી વખત શપથ લીધા હતા. 182 સભ્યોની વિધાનસભામાં 27 મંત્રીઓની ક્ષમતા છે, જે ગૃહની કુલ શક્તિના 15 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વિસ્તરણમાં દસ નવા મંત્રીઓનો ઉમેરો થઈ શકે છે. ભાજપપ્રમુખ જેપી નડ્ડા સમારોહમાં હાજર રહેશે. તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના ટોચના નેતૃત્વએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ સીઆર પાટીલ અને વરિષ્ઠ નેતાઓ સાથે અંતિમ ચર્ચા કરી છે. નડ્ડાનો ગુજરાત પ્રવાસ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકના થોડા દિવસો પછી થયો છે, જ્યાં ગૃહમંત્રી અમિત શાહ, સીઆર પાટીલ અને સીએમ પટેલે ફેરબદલ માટે વ્યૂહરચના ઘડી હતી.
મિશન 2027 માટે ભાજપની વ્યૂહરચના
ભાજપની આ કેબિનેટ ફેરબદલ મિશન 2027ને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પક્ષ આવનારા વિધાનસભા ચૂંટણી પહેલાં નવાં સામાજિક અને રાજકીય સમીકરણોને અજમાવવાની કોશિશ કરશે. આ કારણથી પણ આ ફેરબદલ મહત્વનો છે, કારણ કે યુવા નેતા ગોપાલ ઇટાલિયાના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટી, ભાજપના પાટીદાર ગઢમાં પોતાનો પ્રભાવ વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે.
