નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી મિડિયા અને સોશિયલ મીડિયા પર સંયુક્ત અરબ અમીરાત (UAE)ના નવા ગોલ્ડન વિઝા અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે UAEના આ નવા ગોલ્ડન વિઝા હેઠળ AED 100,000 (અંદાજે રૂ. 23 લાખ)ની એકસાથે રકમ ચૂકવીને નોમિનેશનને આધારે આજીવન નિવાસની સુવિધા મળે છે. ખાસ વાત એ હતી કે આ અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે આ ગોલ્ડન વિઝા ખાસ કરીને ભારત અને બાંગ્લાદેશના નાગરિકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યા છે.
UAEની ફેડરલ ઓથોરિટી ફોર આઇડેન્ટિટી, સિટિઝનશિપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યુરિટી (ICP)એ ગોલ્ડન વિઝા અંગે ફેલાવવામાં આવી રહેલી અફવાઓને ખોટી ગણાવી છે. કેટલાક મિડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે UAE ચોક્કસ દેશોના નાગરિકોને લાઇફટાઇમ ગોલ્ડન વિઝા આપી રહ્યું છે. ICP એ સ્પષ્ટતા કરી કે ગોલ્ડન વિઝાના નિયમો અને શરતો પૂર્વનિર્ધારિત છે અને ફક્ત સરકારી ચેનલો દ્વારા જ પ્રક્રિયા કરવામાં આવે છે. અગાઉ, રિયાદ ગ્રુપના એમડી રિયાદ કમાલ અયુબે જણાવ્યું હતું કે યુએઈ સરકાર ગોલ્ડન વિઝાના નિયમોમાં ફેરફાર કરી રહી છે.
UAE સરકારે શું કહ્યું?
ICP એ કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને તેનો કોઈ કાનૂની આધાર નથી. તેમણે ચેતવણી આપી હતી કે આવા ખોટા સમાચાર ફેલાવીને લોકો પાસેથી પૈસા પડાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગોલ્ડન વિઝા માટે અરજી ફક્ત UAE સરકારની વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા જ કરી શકાય છે.
આ તમામ અહેવાલો પર UAEએ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે. સત્તાવાર વેબસાઈટ અથવા સ્માર્ટ એપ્લિકેશન પરથી માહિતી મેળવી શકાય છે. ICP (Federal Authority for Identity, Citizenship, Customs and Port Security)એ સ્પષ્ટ કર્યું છે કે ગોલ્ડન વિઝાની કેટેગરી, શરતો અને નિયમો સત્તાવાર કાયદાઓ, અધિનિયમો અને મંત્રાલયના નિર્ણયોની આધારે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થઈ છે. રસ ધરાવનારાઓ સત્તાવાર વેબસાઈટ અથવા સ્માર્ટ એપ્લિકેશન દ્વારા સત્તાવાર માહિતી મેળવી શકે છે. ICPએ આ વાત પર ભાર મૂક્યો કે તમામ ગોલ્ડન વિઝા અરજીઓ માત્ર UAEની અંદર સત્તાવાર સરકારી ચેનલો દ્વારા જ પ્રક્રિયા હેઠળ થાય છે અને અરજી પ્રક્રિયામાં કોઈ પણ આંતરિક કે બાહ્ય કન્સલ્ટિંગ સંસ્થા સત્તાવાર રીતે માન્ય નથી.
