ગોવા અગ્નિકાંડઃ ભારતથી ફરાર થયેલા લૂથરા બ્રધર્સની ધરપકડ

નવી દિલ્હીઃ ગોવાની એક નાઇટ ક્લબમાં લાગી ગયેલી આગમાં 25 લોકોનાં મોત થયાં હતાં. આ અગ્નિકાંડના આરોપી લૂથરા બ્રધર્સ ભારત છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેમનો પાસપોર્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો, ત્યાર બાદ થાઈલેન્ડમાં તેમને હિરાસતમાં લેવામાં આવ્યા છે. ભારત સરકારે લૂથરા બ્રધર્સ પર આકરી કાર્યવાહી કરવા તથા તેમનો પાસપોર્ટ રદ કરવાની વાત કરી હતી. ગોવાના CM પ્રમોદ સાવંતે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ અગ્નિકાંડના દરેક પાસાનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરવા તથા આરોપ સાબિત થયા બાદ સખત સજા આપવા અંગે જણાવ્યું હતું.

છઠ્ઠી ડિસેમ્બરે બની હતી ઘટના

ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબમાં છઠ્ઠી ડિસેમ્બરની રાત્રે અચાનક લાગેલી આગમાં 25 લોકોનાં મોત થયાં હતાં. આ અગ્નિકાંડમાં અત્યાર સુધી ક્લબના ચાર માલિકોમાંના એકને હિરાસતમાં લેવામાં આવ્યા છે, જે દિલ્હીનો રહેવાસી છે અને તેનું નામ અજય ગુપ્તા છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં ગુપ્તાથી પૂછપરછ કરવામાં આવી અને ત્યાર બાદ તેને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને ગોવા પોલીસે 36 કલાકની ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સોંપી દીધો છે. પૂછપરછ દરમ્યાન અજયે જણાવ્યું હતું કે હું ફક્ત બિઝનેસ પાર્ટનર છું, મને આ અંગે વધુ કંઈ ખબર નથી.

ભારત છોડીને થાઈલેન્ડ ભાગેલા લૂથરા બ્રધર્સ

ક્લબના બે માલિક તેમ જ સગા ભાઈ, સૌરભ લૂથરા અને ગૌરવ લૂથરા, આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં દિલ્હીથી થાઈલેન્ડ ભાગી ગયા હતા. ઇન્ટરપોલે બંનેના વિરોધમાં બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે અને ભારત સરકારે બંનેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. જણાવવાનું કે ગોવાના આ નાઇટ ક્લબના અન્ય એક માલિક સુરિંદર કુમાર ખોસલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે, જે ભારતીય નહીં પરંતુ બ્રિટિશ નાગરિક છે.