કાઠમંડુઃ નેપાળમાં ફરી એક વાર Gen-Zનું પ્રોટેસ્ટ શરૂ થયું છે. તેને પગલે દેશના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. એ પહેલાં સપ્ટેમ્બરમાં થયેલા ઘાતક Gen-Z બળવાએ તત્કાલીન વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકારને દૂર કરી હતી. ત્યાર બાદ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને નેપાળનાં કાર્યકારી વડા પ્રધાન બનાવવામાં આવ્યાં હતાં. હવે ફરીથી ભૂતપૂર્વ શાસક પક્ષના વફાદારો અને યુવા પ્રદર્શકો વચ્ચે નવી અથડામણો ભભૂકી ઊઠી છે. યુવાનોના નવા આંદોલનને કારણે દેશના બારા જિલ્લામાં સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સ્થિતિ Gen-Zના સભ્યો અને ભૂતપૂર્વ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ – યુનિફાઈડ માર્ક્સવાદી લેનિનવાદી (CPN-UML)ના સમર્થકો વચ્ચે થયેલા સીધા સંઘર્ષ પછી સર્જાઈ છે.
હિંસક અથડામણોને કારણે લાગ્યો કર્ફ્યુ
નેપાળમાં પરિસ્થિતિ અચાનક બગડી ગઈ છે, જ્યારે યુવા પ્રદર્શકો અને CPN-UMLના કાર્યકરોએ બારા જિલ્લાના સિમરા વિસ્તારમાં રેલીઓ કાઢી હતી. ત્યાર બાદ બંને જૂથો વચ્ચે અથડામણો શરૂ થઈ હતી. ત્યાર બાદ તંત્રએ સાવચેતીરૂપે એરપોર્ટ નજીક અને અન્ય અનેક સ્થળોએ કર્ફ્યુ લગાવી દીધો હતો. જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાતને કારણે કર્ફ્યુ ગુરુવાર (સ્થાનિક સમય) સાંજે 8 વાગ્યા સુધી લાગુ રહેશે.
કાર્યકારી વડા પ્રધાનની શાંતિ માટે અપીલ
નેપાળનાં કાર્યકારી વડા પ્રધાન સુશીલા કાર્કીએ Gen-Z આંદોલનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સપ્ટેમ્બરના બળવાં બાદ તેમને આંતરિક વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કાર્કીએ યુવાનો સહિત તમામ પક્ષોને અનાવશ્યક રાજકીય ઉશ્કેરણીથી દૂર રહેવા અને 5 માર્ચ, 2026એ યોજાનારી ચૂંટણીઓ પહેલાં લોકતંત્રની પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા કહ્યું. નેપાળ પોલીસનાં પ્રવક્તા આબી નારાયણ કાફ્લેએ જણાવ્યું હતું કે ગુરુવારે પરિસ્થિતિ સામાન્ય છે,. કોઈને ગંભીર ઇજા પહોંચી નથી.


