NDAના અનેક ઉમેદવારો પર ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ જનતાને લોભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. એ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને આરાના ભૂતપૂર્વ સાંસદ આર. કે. સિંહે NDA ના ઘણા ઉમેદવારો પર ગુનાહિત પૃષ્ઠભૂમિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

તેમણે ખાસ કરીને તારાપુરના NDA ઉમેદવાર અને ઉપ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીનું નામ લેતાં કહ્યું હતું કે તેમના પર હત્યાનો આરોપ રહ્યો છે અને વયપ્રમાણપત્રમાં ફર્જીવાડાનો કેસ રહ્યો છે, જેના જવાબ આજ સુધી આપવામાં આવ્યા નથી.આર. કે. સિંહે રવિવારે ભાષણમાં કહ્યું હતું કે બિહારની જનતાએ હવે નક્કી કરવું પડશે કે તે ગુનાહિત અને ભ્રષ્ટ રાજકારણને ફરી તક આપશે કે સ્વચ્છ શાસનને ટેકો આપશે. તેમણે જનતાને અપીલ કરી હતી કે તેઓ કોઈ પણ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારને મત ન આપે, ભલે તે તમારી જ જાતિનો કેમ ન હોય, બિહારનું ભવિષ્ય એટલે બાળકોનું ભવિષ્ય છે.

NOTA નો વિકલ્પ પસંદ કરવો જોઈએ

સિંહે કહ્યું હતું કે જો તમામ ઉમેદવારો ભ્રષ્ટ અથવા ગુનેગાર સ્વભાવના હોય, તો મતદાતાઓએ NOTAનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. તેમના અનુસાર ગુનેગારો અને માફિયા સમર્થિત નેતાઓને મત આપવો એટલે બિહારને પાછા પડતાપણાની દિશામાં ધકેલવું.

તેમણે પોતાના નિવેદનમાં અન્ય ઉમેદવારો સાથે તારાપુરના NDA ઉમેદવાર સમ્રાટ ચૌધરીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેમની ઉમેદવારી અંગે જનતામાં પ્રશ્નો ઊઠી રહ્યા છે, જેનું સ્પષ્ટીકરણ હજુ સુધી આપવામાં આવ્યું નથી. તેમના આ નિવેદનથી ભાજપ અને NDA નાં આંતરિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

જનતાના વિશ્વાસ સાથે દગો

NDA ઉમેદવાર અનંત સિંહ પર ગંભીર આક્ષેપ કરતાં આર. કે. સિંહે કહ્યું હતું કે જેમના પર હત્યા, નરસંહાર અને અપહરણ જેવા ગંભીર આરોપો લાગેલા છે, તેમને ટિકિટ આપવી એ જનતાના વિશ્વાસ સાથે દગો કરવો છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ 1985માં પટનાના જિલ્લા અધિકારી હતા, ત્યારે અનંત સિંહ, તેમના ભાઈ દિલીપ સિંહ અને વિવેકા સિંહ અનુમંડળ કચેરીની સામે ઉપદ્રવ કરી રહ્યા હતા. “હું પોતે ત્યાં ગયો હતો અને તેમને ખદેડી ને ભગાડ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.