કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ, તમામ રાજ્યોને આપી સૂચના

ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.

સોમવારના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપના 260 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,828 થઈ ગયા છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,33,317 નોંધાઈ છે.

દેશમાં કોવિડ કેસની સંખ્યા 4.50 કરોડ (4,50,05,076) છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,69,931 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય સાજા થવાનો દર 98.81 ટકા છે. કોરોનામાં મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.