અમદાવાદઃ શહેરની સોસાયટીમાં, શેરી, મહોલ્લા, પોળો, પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ધુળેટી પર્વની રંગ ભરી ઉજવણી થઈ હતી. મ્યુઝિક, ડીજે અને ઢોલ-નગારાના તાલે લોકો નાચ્યા, ઝૂમી ઊઠ્યા હતા. શહેરના માર્ગો પરથી પસાર થતાં વાહનોમાં પણ લોકો અવનવા રંગોથી રંગાયેલા જોવા મળ્યા. ધુળેટીમાં મસ્તીએ ચઢેલા કેટલાંક ટોળાં રોડ પર જ નાચતાં અને ચિચિયારીયો પાડતા નજરે પડ્યા હતા.
બીજી તરફ ધાર્મિક સ્થળો પર અનોખી રીતે ધુળેટીની ઉજવણી થઈ. અમદાવાદ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર જે સૌથી જૂનું છે. હેરિટેજ વોક કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસેથી જ શરૂ થાય છે. એના પ્રસાદી ચોકમાં ‘ફૂલદોલોત્સવ’ ઊજવવામાં આવ્યો હતો. ફાગણ વદ એકમ શ્રી નર નારાયણદેવ જયંતી નિમિત્તે ઊજવવામાં આવેલા મંદિરના પ્રાંગણના ઉત્સવમાં લાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.
કાલુપુર મંદિરના પ્રાંગણમાં હજારો હરિભક્તો, શહેરીજનો અને વિદેશી મુલાકાતીઓની હાજરીમાં રંગબેરંગી પાણી, ગુલાલ સાથે સૌએ ‘ફૂલદોલોત્સવ’ ની મજા માણી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)
