અયોધ્યામાં રામ રાજ્યાભિષેકથી ઝળહળ્યો દીપોત્સવ

અયોધ્યાઃ CM યોગી આદિત્યનાથે રવિવારે અયોધ્યામાં ભગવાન શ્રીરામ અને સીતાજીના પ્રતીકાત્મક સ્વરૂપનો ‘રાજ્યાભિષેક’ કરીને નવમા ભવ્ય દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. પૂજા-અર્ચના કર્યા પછી પોતાના સંબોધનમાં દીપોત્સવના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું હતું કે જ્યારે અમે 2017માં અયોધ્યા ધામમાં દીપોત્સવ યોજવાનો નિર્ણય કર્યો, ત્યારે અમારી ઈચ્છા વિશ્વને બતાવવાની હતી કે સાચા અર્થમાં દીવા કેવી રીતે પ્રગટાવવામાં આવે છે.

તેમણે રામ જન્મભૂમિ આંદોલન પ્રત્યે વિરોધી પક્ષોના વલણની ટીકા કરતાં કહ્યું હતું  કે આ જ અયોધ્યામાં રામ જન્મભૂમિ આંદોલનમાં કોંગ્રેસે કહ્યું હતું કે રામ માત્ર એક દંતકથા છે, જ્યારે સમાજવાદી પક્ષે રામભક્તો પર ગોળીબાર કર્યો હતો.તેમણે કહ્યું હતું કે આ એ જ લોકો છે, જે બાબરના કબર પર સજદા કરે છે. તેમણે અયોધ્યામાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે અયોધ્યા હવે ‘વિકાસ અને વારસાનો અદ્ભુત સંગમ’ છે. તેમણે જણાવ્યું હતું કે આખા ઉત્તર પ્રદેશમાં એક કરોડ 51 લાખ દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે આજે ઉત્તર પ્રદેશને ઓળખના સંકટનો સામનો કરવો પડતો નથી. જ્યાં ક્યારેક ગોળીઓ ચાલતી હતી, ત્યાં આજે દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે.

દીપોત્સવના નવમા સંસ્કરણમાં ભગવાન શ્રીરામની પવિત્ર ધરા પર 26 લાખ 17 હજાર 215 દીવા પ્રગટાવીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. દેશ-વિદેશથી આવેલા ભક્તોએ “શ્રી રામ, જય રામ, જય જય રામ”ના જયઘોષથી આખું શહેર ગુંજી ઊઠ્યું. ભક્તોએ સરયૂ નદીના કિનારે પૂજા-અર્ચના કરી. આ પ્રસંગે અયોધ્યાનો દરેક મંદિર, ગલી અને ઘર ભક્તિની આભાથી ઝળહળ્યો હતો.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશે બે નવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, જેમાં  પહેલો, શહેરભરમાં 26 લાખ 17 હજાર 215 દીવા પ્રગટાવવાનો અને બીજો, 2128 વૈદિકાચાર્યો, પૂજારીઓ અને સાધકો દ્વારા એકસાથે મા સરયૂની આરતી કરવાનો.

બંને સિદ્ધિઓની ગણતરી ડ્રોન મારફતે કરીને તેની પુષ્ટિ કરવામાં આવી અને ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ’ના પ્રતિનિધિઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવી. ડો. રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અને સ્થાનિક સંસ્થાઓના 32 હજારથી વધુ સ્વયંસેવકોએ આ સિદ્ધિ શક્ય બનાવી. મુખ્ય મંત્રીના આહ્વાન પર અયોધ્યાનાં ઘરો, મંદિરો, મઠો, આશ્રમો અને જાહેર ચાર રસ્તાઓ પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.