રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું વિધિવત પૂર્ણ થવા છતાં હજુ પડી રહેલાં વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના જેતપુર, લોધિકા બગસરા પંથકમાં માવઠાનાં કારણે પાકને ભારે નુક્સાન થયું છે. કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું હોવાથી તાકિદે સર્વે કરાવીને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે.સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એકાંતરા વરસાદે જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. છેલ્લાં 10 દિવસથી જેતપુર અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તાર એવા ખીરસરા, જેતલસર, ડેડરવા, અમરનગર, સેલૂકા, વિરપુર સહિત અન્ય ગામોમાં વરસતા વરસાદથી ક્યાંક મગફળીના પાથરા પાણીના વહેણમાં તણાતા, તો ક્યાંક વરસાદી પાણી ભરાતા ભારે નુક્સાન જોવા મળી રહ્યું છે.