કોણ છે આર્યન ખાનના ‘સંકટમોચક’ વકીલ સતીશ માનશિંદે?

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ મામલે ધરપકડ કર્યા પછી કેસ લડવા માટે જાણીતા સિનિયર વકીલ સતીશ માનશિંદેને નિયુક્ત કર્યા છે. તેઓ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા આર્યન ખાન પર લગાવવામાં આવેલા આરોપોની સામે કોર્ટમાં બચાવ કરશે. 56 વર્ષીય વરિષ્ઠ સતીશ માનશિંદે હાઇ પ્રોફાઇલ કેસો લડવા માટે જાણીતા છે. તેઓ અત્યાર સુધી કેટલાક ટોચના બોલીવૂડ સ્ટાર્સ અને તેમના ફેમિલી સભ્યોના કેસ લડી ચૂક્યા છે.

આયર્ન ખાનની NCBએ મુંબઈના કોર્ડેલિયાની એમ્પ્રેસ ક્રૂઝ પર એક રેવ પાર્ટી પર દરોડો માર્યા પછી ધરપકડ કરી હતી. એજન્સીના તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે આ આરોપીઓ પાસેથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, MDMA (એક્સટસી)ની 22 ગોળીઓ અને રૂ. 1.33 લાખ રોકડા જપ્ત કર્યા છે. આર્યન ખાનને મુંબઈની એક કોર્ટે એક દિવસ માટે NCBની કસ્ટડીમાં મોકલી દીધો હતો.

માનશિંદે 1993માં થયેલાં બોમ્બધડાકાને મામલે બોલીવૂડ એક્ટર સંજય દત્તનું પ્રતિનિધિત્વ કરતી કાનૂની ટીમનો હિસ્સો પણ રહી ચૂક્યા છે. માનશિંદે સંજય દત્તને જામીન અપાવવામાં સફળ રહ્યા હતા. આ કેસ પછી માનશિંદે બધા હાઇ-પ્રોફાઇલ કેસો માટે દેશના ટોચના ક્રિમિનલ લોયર્સમાંના એક બની ગયા હતા.

તેમણે 2002ના દારૂ પીવાના અને ડ્રાઇવિંગ મામલામાં એક્ટર સલમાન ખાન માટે પણ જામીન મેળવી આપ્યા હતા. એ પછી સલમાન ખાનને કોર્ટે છોડી મૂક્યો હતો. હજી હાલમાં માનશિંદે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક માટે પણ ડ્રગ્સ મામલે કેસ લડ્યો હતો.