‘દિલ્હી ફાઈલ્સ’ કોંગ્રેસ-સર્જિત આતંકવાદ વિશેની હશેઃ વિવેક અગ્નિહોત્રી

મુંબઈઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ દિગ્દર્શક અને એમની ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મે દેશભરમાં લાગણીનાં ધોધ વહાવી દીધા છે તે વિવેક અગ્નિહોત્રી હવે ધ દિલ્હી ફાઈલ્સ ફિલ્મ બનાવવાના છે. એમણે કહ્યું છે એમની આ નવી ફિલ્મ 1984માં દિલ્હીમાં થયેલા શીખ-વિરોધી રમખાણોના કાળા પ્રકરણ અને તામિલનાડુ વિશેની હશે.

એએનઆઈ સમાચાર સંસ્થા સાથે વાતચીત કરતાં અગ્નિહોત્રીએ કહ્યું કે 1984માં દિલ્હીમાં થયેલા શીખ-વિરોધી રમખાણો ભારતીય ઈતિહાસમાં કાળા પ્રકરણ સમાન છે. સમગ્ર પંજાબમાં ત્રાસવાદની પરિસ્થિતિનું જે રીતે સંચાલન કરવામાં આવ્યું હતું તે અમાનવીય હતું. એ માત્ર વોટ-બેન્ક રાજકારણ પર આધારિત હતું. એટલા માટે જ કોંગ્રેસ પાર્ટીએ પંજાબમાં આતંકવાદ પેદા કરાવ્યો હતો. એ લોકોએ પહેલા આતંકવાદને પેદા કર્યો, પછી એનો નાશ કર્યો, પછી એમણે હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને પછી એમાં ભીનું સંકેલી લીધું હતું. આજની તારીખ સુધી પીડિતોને ન્યાય મળ્યો નથી. આનાથી ખરાબ બીજું શું હોઈ શકે.