‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર: ફિલ્મમાં રમૂજ સાથે સામાજિક-સંદેશ

મુંબઈઃ રણવીરસિંહને ટાઈટલ ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં રણવીરસિંહે ગુજરાતી યુવક જયેશભાઈની ભૂમિકા ભજવી છે, જેની પત્ની બની છે શાલિની પાંડે (‘અર્જુન રેડ્ડી’ ફેમ).

ફિલ્મમાં રણવીર એક પુત્રીનો પિતા પણ છે. એની પત્ની ફરીથી ગર્ભવતી બને છે. રણવીરના પિતા, જે રોલ બમન ઈરાનીએ ભજવ્યો છે, એ ગામના સરપંચ છે. રણવીરની માતાનો રોલ ભજવ્યો છે રત્ના પાઠક શાહે. માતા-પિતા બંને જણ ઈચ્છે છે કે આ વખતે પૌત્રનો જ જન્મ થવો જોઈએ. ટ્રેલરની શરૂઆત જ રમૂજી દ્રશ્ય સાથે થાય છે. એક નાનકડી છોકરી સરપંચને ફરિયાદ કરે છે કે, ‘તમે શરાબ પર પ્રતિબંધ મૂકો, કારણ કે દારૂડિયા છોકરાઓ અમારી સ્કૂલની બહાર ઊભા રહીને અમારી મશ્કરી કરે છે.’ ત્યારે સરપંચ જવાબ આપે છે કે, ‘છોકરીઓ સુગંધી સાબુથી નહાય છે અને એને કારણે પુરુષો એમની તરફ આકર્ષાય છે એટલે સાબુ ઉપર જ પ્રતિબંધ મૂકવો જોઈએ.’ જ્યારે સરપંચને ખબર પડે છે કે એની પુત્રવધુ બીજી દીકરીને જન્મ આપવાની છે ત્યારે ઘરમાં દેકારો બોલાઈ જાય છે. જયેશભાઈ એની પત્નીનો જાન બચાવવા માટે એને અને પુત્રીને લઈને ઘરમાંથી નાસી છૂટે છે. ટ્રેલરના બાકીના ભાગમાં મોટી ચેઝ સીક્વન્સ જોવા મળે છે જેમાં રણવીર એની પત્ની અને પુત્રી તથા ગર્ભમાં રહેલા બાળકને બચાવવાનો પ્રયાસ કરે છે.

‘જયેશભાઈ જોરદાર’ના દિગ્દર્શક છે દિવ્યાંગ ઠક્કર, જેમની આ પહેલી જ ફિલ્મ છે. ફિલ્મ આવતી 13 મેએ થિયેટરોમાં રિલીઝ થશે.